• જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ
  • ચૂંટણી આયોગ કરશે ગૃહમંત્રાલય સાથે બેઠક
  • આતંકી હુમલાઓને લઇને ચૂંટણી આયોગ ચિંતિત

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ થઇ ગયો છે. ત્યારે ચૂંટણી આયોગ પણ ક્યારે ચૂંટણી યોજવી તેને લઇને વિવિધ વિકલ્પ શોધી રહ્યું છે. એવી સંભાવના છે કે

ઉત્તર કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચ પ્રારંભિક તબક્કામાં ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવી શકે છે. ત્યારબાદ મધ્ય કાશ્મીર અને જમ્મુમાં ચૂંટણી થઈ શકે છે.

અગાઉ 5 તબક્કામાં હતી ચૂંટણી

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર પ્રશાસન, સુરક્ષા વિભાગ અને ચૂંટણી પંચ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું કે તબક્કાવાર ચૂંટણી કરાવવા માટે શું વિકલ્પો હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે 4-5 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી ચૂંટણી વર્ષ 2014માં થઈ હતી ત્યારે પણ પાંચ તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી પંચના વડા રાજીવ કુમારના નેતૃત્વમાં સમગ્ર પંચે અહીં તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.

બેઠક બાદ લેવાશે નિર્ણય ?

ચૂંટણી પંચ આ સપ્તાહના અંત સુધીમાં ગૃહ મંત્રાલય સાથે સુરક્ષા સમીક્ષા કરશે. ત્યારબાદ જ ચૂંટણીની તારીખો અંગે અંતિમ નિર્ણય લેવાશે. તમામ રાજકીય પક્ષો કાશ્મીરમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ હવે આ માટે તૈયાર દેખાઈ રહી છે. જો કે તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચૂંટણી પંચ પણ ચિંતિત છે.

ક્યારે થઇ શકે ચૂંટણી ?

જમ્મુ કાશ્મીરમાં વાતાવરણની જો વાત કરીએ તો ઑક્ટોબરથી જ ઉત્તર કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા શરૂ થાય છે. જેથી સંભાવના છે કે તે પહેલા ચૂંટણી થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સુરક્ષા દળોની મોટી તૈનાતીની માંગ ઉઠાવી છે. તેમણે એવો પણ અનુરોધ કર્યો છે કે ચૂંટણીની જાહેરાતના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા ત્યાં પર્યાપ્ત સુરક્ષા દળો હાજર રહે જેથી વિસ્તારને નિયંત્રણમાં લઇ શકાય.


  • Follow us on: