• જમ્મુ કાશ્મીરના અનંત નાગમાં આતંકી અથડામણ
  • સેનાના બે જવાન થયા શહીદ
  • કેન્દ્રીય રક્ષા મંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અથડામણ થતા બે જવાનો શહીદ થયા છે જ્યારે ચાર ઘાયલ થયા છે. શનિવારે આતંકવાદીઓના એક જૂથે જંગલ વિસ્તારમાં સેનાને નિશાનો બનાવીને ફાયરિંગ કર્યુ હતું. જેને લઇને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ભારતીય સેનાના જવાનોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

રક્ષામંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ

રક્ષા મંત્રીએ પોતાની એક્સ-પોસ્ટમાં કહ્યું કે અનંતનાગના કોકરનાગમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આપણા બહાદુર અને નીડર ભારતીય સેનાના જવાનોની શહાદતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. આ દુઃખની ઘડીમાં રાષ્ટ્ર તેમની સાથે મજબૂત રીતે ઊભું છે.'

સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો

સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના અહલાન ગાગર-માંડુ વિસ્તારમાં શરૂ થયું હતું. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓના ગોળીબારમાં અન્ય બે નાગરિકો પણ ઘાયલ થયા છે. આ અથડામણ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થઈ હતી.


આતંકીના સ્કેચ કર્યા હતા જાહેર

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ કઠુઆ જિલ્લાના બાની, મલ્હાર અને સોજધારના ઢોક વિસ્તારોમાં ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા. સેનાએ આ આતંકવાદીઓ વિશે માહિતી આપવા અને તેમની ઓળખ કરવા માટે પ્રત્યેકને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

  • Follow us on: