• જમ્મુ કાશ્મીરમાં ગરમીનો પારો હાઇ
  • શાળા બંધ કરવાનો આપી દેવાયો આદેશ
  • ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ

જ્યાં દેશમાં એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એવુ પણ છે કે જ્યાં એપ્રિલ મે મહિના જેવી કાળઝાળ ગરમી જુલાઇમાં પડી રહી છે. જ્યાં લોકો પહાડોની સેર કરવા, કુદરતને માણવા માટે જાય છે ત્યાં હાલ સુર્યદેવ કોપાયમાન થઇને બેઠા છે. સ્થિતિ એટલી હદે ભયંકર બની છે કે શાળા કોલેજો બંધ કરવી પડી. આ વાત છે જમ્મુ કાશ્મીરની.

ભયંકર ગરમીનો કહેર

કાશ્મીરમાં હાલ ઉનાળા જેવી હાલત છે. એટલું જ નહીં જુલાઇ મહિનામાં બે દિવસ પ્રાથમિક શાળાઓ બંધ રાખવી પડી હતી. કારણ કે ત્યાં હિટવેવ ચાલી રહ્યું છે. કાશ્મીરમાં તમામ ખાનગી અને સરકારી શાળાઓને 29 અને 30 જુલાઈએ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વીકે બિધુરીએ આ આદેશ જાહેર કરીને કહ્યું કે વિદ્યાર્થીઓને બોલાવવામાં ન આવે. જો કે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવાયું છે.

શાળા બંધ રાખવાનો આદેશ

વીકે બિધુરીએ પોતાના આદેશમાં કહ્યું કે ઘાટીમાં ચાલી રહેલા હિટવેવને કારણે સરકારી અને ખાનગી શાળાઓને 29 અને 30 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જેવા વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકો કોતરોમાં ન્હાવા જતા જોવા મળે છે. એક સ્થાનિક નાગરિકે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે આવી સ્થિતિ બની રહી છે. શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં આટલી તીવ્ર ગરમી જોવા મળી નથી. ગરમીના કારણે લોકોને બચવા માટે તળાવો, કોતરો અને ધોધનો સહારો લેવો પડે છે.

25 વર્ષનો તોડ્યો રેકોર્ડ

કાશ્મીરમાં ગરમીએ જુલાઈમાં જ છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. રવિવારે શ્રીનગરમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. 9 જુલાઈ, 1999 પછી પ્રથમ વખત શ્રીનગરમાં જુલાઈ મહિનામાં આટલું ઊંચું તાપમાન જોવા મળ્યું હતું. અત્યારસુધી શ્રીનગરમાં સૌથી વધુ તાપમાન 10 જુલાઈ, 1946ના રોજ નોંધાયું હતું. ત્યારબાદ તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગમાં પણ રવિવારે તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ સિવાય કોકરનાગમાં પણ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું.

  • Follow us on: