- જમ્મુ કાશ્મીર પોલીસ એક્શનમાં
- પાકિસ્તાની આતંકીની 1 કરોડની સંપત્તિ કરી જપ્ત
- બારામુલા કોર્ટ દ્વારા અટેચમેન્ટ ઓર્ડર મિલકતો જપ્ત કરી
જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે બારામુલ્લામાં પાંચ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઓપરેટરોની રૂ. 1 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. બારામુલ્લામાં પોલીસે બારામુલા કોર્ટ દ્વારા અટેચમેન્ટ ઓર્ડર મેળવ્યા બાદ જમીનો સહિતની મિલકતો જપ્ત કરી હતી.
આ પાંચ આતંકીઓની સંપત્તિ જપ્ત
પાકિસ્તાન સ્થિત પાંચ આતંકવાદીઓની ઓળખ બશીર અહેમદ ગની, મેહરાજ ઉદ દિન લોન, ગુલામ મોહમ્મદ યાટૂ, અબ રહેમાન ભટ અને અબ રશીદ લોન તરીકે કરવામાં આવી છે. આ કાર્યવાહી કલમ 83 CrPC હેઠળ કરવામાં આવી હતી અને PS ક્રેરીની FIR નંબર 04/2008 u/s 2/3 EIMCO એક્ટ, 7/25 ભારતીય આર્મ્સ એક્ટ, 13 UA(P) એક્ટ સાથે જોડાયેલી હતી.
બુધવારે 3 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન આ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. બુધવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ, ભદરવાહ સેક્ટરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા તેમ એડીજીપી જમ્મુ આનંદ જૈને જણાવ્યું હતું. છુપાયેલા આતંકવાદીઓ, હથિયારો અને દારૂગોળો શોધવા માટે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ADGP આનંદ જૈને કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને આવા લોકોને શોધવામાં પોલીસ પ્રશાસનને મદદ કરવા વિનંતી કરી.
અમરનાથ યાત્રાને કોઇ ખતરો નહી
નવા આતંકવાદી સંગઠનોના ઉદભવ પર એડીજીપીએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદી જૂથોની હાજરી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છત્તરગલા ઘટનાની પણ તપાસ ચાલી રહી છે, તેથી હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ આતંકવાદી સંગઠનોની નવી યોજના છે કે નહીં. આ સિવાય તેમણે આશ્વાસન આપ્યું કે અમરનાથ યાત્રાને કોઈ ખતરો નથી અને જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે તેમને શોધી કાઢવા તપાસ ચાલી રહી છે.