જબલપુરના સિહોરા નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના દુઃખદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ બધા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી એક ટ્રાવેલર વાહનમાં પરત ફરી રહ્યા હતા. ભક્તોથી ભરેલું વાહન સિહોરા નજીક મોહલા અને બરગી વચ્ચે પહોંચતાની સાથે જ સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાયું હતું. એવુ કહેવાઇ રહ્યું છે કે પુલ પરથી સિમેન્ટ ભરેલો ટ્રક ખોટી દિશામાં આવી રહ્યો હતો.
મહાકુંભથી પરત ફરી રહ્યા હતા અને અકસ્માત થયો
મળતી માહિતી મુજબ આ અકસ્માત સવારે 9 વાગ્યે જબલપુરથી લગભગ 50 કિમી દૂર નાગપુર-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. સિમેન્ટથી ભરેલો એક ટ્રક જબલપુરથી કટની જઈ રહ્યો હતો. અકસ્માતની માહિતી મળતાં જ કલેક્ટર દીપક સક્સેના, એસપી સંપત ઉપાધ્યાય અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓએ ટ્રાવેલરમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા લોકો પણ આંધ્રપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. તે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા અને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
કલેક્ટર દીપક સક્સેના અને એસપી સંપત ઉપાધ્યાય ઉપરાંત, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હાલમાં, અકસ્માતમાં 2 થી 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે, જેમને સિહોરા તહસીલની સરકારી હોસ્પિટલ અને જબલપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
સીએમ યાદવે દુઃખ વ્યક્ત કર્યું
આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 'X' પર લખ્યું હતુ કે જબલપુર જિલ્લાના સિહોરા ખાતે નાગપુર-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રયાગરાજથી પરત ફરી રહેલા એક પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં આંધ્રપ્રદેશ રાજ્યના યાત્રાળુઓના અકાળે મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે, મારી સંવેદના બધા શોકગ્રસ્ત પરિવારો સાથે છે.. જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને તમામ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને તેમના મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે. હું શોકગ્રસ્ત પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.