જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ હુમલાની લોકો નિંદા કરી રહ્યા છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ હુમલાથી ભોગ બનેલા પીડિત લોકો સહિત આખો દેશ અત્યારે આઘાતમાં છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકાર શું પગલા લેશે તેના પર તમામની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો સાઉદ અરબનો પ્રવાસ ટૂંકાવી ભારત પરત ફર્યા છે. પુલવામા ઘટનાના બીજા દિવસે ભારતની આર્મીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા બે આતંકવાદી ઠાર કર્યા. હજુ પણ અન્ય આતંકવાદીઓની શોધવાની કવાયત હાથ ધરાઈ છે. ભારતના સ્વર્ગ કહેવાતા એવા કાશ્મીરમાં અત્યારે અરાજકતાની સ્થિતિ ઉદભવવા પામી છે.
જાહેર હિતની અરજી
સુપ્રીમ કોર્ટમાં આજે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના પગલે એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરતા વકીલે અપીલ કરી છે કે ભારતના પહાડી રાજ્યો અને લોકપ્રિય હિલ સ્ટેશનોમાં પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે વધુ સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવે. ભારતના ઉત્તરભાગમાં પ્રવાસીઓનો ધસારો રહે તેવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તેમજ કુલુ મનાલી જેવા પહાડી અને ખીણ વિસ્તારોમાં યોગ્ય તબીબી સુવિધાઓમાં વધારો કરવામાં આવે જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિ સમયે પીડિતોને તાત્કાલિક તબીબી સહાય મળી શકે. આ સાથે વકીલે જુલાઈ મહિનામાં થનાર અમરનાથ યાત્રામાં પણ ચુસ્ત બંદોબસ્તની માગ કરી છે.
પહેલગામમાં આતંકવાદી હુમલો
મહત્વનું છે કે પહેલગામમાં 22 એપ્રિલના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ હુમલો કરતા પહેલા પ્રવાસીઓને તેમના ધર્મ પૂછયો હતો તેમજ કલમા વાંચવાની ફરજ પાડી હતી. આતંકવાદીઓએ ખાસ કરીને હિન્દુ પ્રવાસીઓને ટાર્ગેટ કરતા તેમના પરિવારજનોની સામે જ ગોળીઓ મારી હતી. હજુ પણ આ ઘટનામાં બચી ગયેલા લોકો ઘેરા આઘાતમાં છે. આતંકવાદી હુમલાની કાશ્મીરના લોકો પણ સખત નિંદા કરતા કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. દેશભરમાં પહેલા આતંકવાદી હુમલાને લઈને આક્રોશ છે. દેશવાસીઓને આશા છે કે ભારત આ હુમલાનો સણસણતો જવાબ આપશે.
વકીલે અરજીમાં શું કહ્યું
વકીલની અરજી મુજબ, "ભારતના ઉત્તરીય ભાગના મોટાભાગના રાજ્યોનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન આધાર રાખે છે. ખાસ કરીને ઉનાળામાં વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પહાડી સ્થાનોની મુલાકાત લેતા હોય છે. વારંવાર પહાડી વિસ્તારો પર થતા આતંકવાદી હુમલાઓના કારણે આ વિસ્તારની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે અને પ્રવાસન ઉદ્યોગ પર મોટી અસર કરી શકે છે. અને એટલે જ પ્રવાસીઓની સુરક્ષા માટે સલામતીના પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પહાડી વિસ્તારોમાં જ્યાં વધુને વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ માણી શકે માટે સશસ્ત્ર સુરક્ષામાં વધારો કરવો જોઈએ. આવા પગલાં દ્વારા જ આપણે પ્રવાસીઓને આતંકવાદી હુમલાઓથી બચાવી શકીશું."