જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે નેશનલ કોન્ફરન્સ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. કેન્દ્રીય મંત્રીએ ઓમર અબ્દુલ્લાને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અને સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુ પરના તેમના નિવેદનને લઈને સવાલ પૂછ્યો હતો.
રાજનાથ સિંહે ઓમર અબ્દુલ્લાને પૂછ્યો સવાલ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂછ્યું કે શું અફઝલ ગુરુને હાર પહેરાવવા જોઈએ. તેમને કહ્યું, "નેશનલ કોન્ફરન્સે આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. મેં તાજેતરમાં જ ઓમર અબ્દુલ્લાને કહેતા સાંભળ્યા કે અફઝલ ગુરુને ફાંસી ન આપવી જોઈતી હતી."
રામબનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રક્ષા મંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર બનાવવાની અપીલ કરી હતી. તેમને કહ્યું, “નેશનલ કોન્ફરન્સ કલમ 370 પુનઃસ્થાપિત કરવાની વાત કરી રહી છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં 40,000 નોકરીઓનું સર્જન થયું છે. જમ્મુ-કાશ્મીરમાં અમારી સરકાર બન્યા પછી અમે વિકાસના કામ કરીશું, જેથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતનો ભાગ બનવા માંગે.
પીઓકે ભારતનો ભાગ છે - રાજનાથ સિંહ
રક્ષા મંત્રીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકોને સંદેશો આપતા કહ્યું કે પાકિસ્તાન તેમને વિદેશી માને છે, જ્યારે ભારત તેમને પોતાનું માને છે. તેમને કહ્યું, "પાકિસ્તાનના એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું છે કે પીઓકે વિદેશી ભૂમિ છે. હું પીઓકેના લોકોને કહેવા માંગુ છું કે ભારત તેમને પોતાનું માને છે."
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે અફઝલ ગુરુ પર નિવેદન આપીને રાજકીય વિવાદ સર્જ્યો હતો. તેમને કહ્યું હતું કે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી. તેમને કહ્યું, "જમ્મુ અને કાશ્મીર સરકારને અફઝલ ગુરુની ફાંસી સાથે કોઈ લેવાદેવા નથી. જો તે હોત, તો તે રાજ્ય સરકારની અનુમતિથી કરવું પડતું અને જમ્મુ અને કાશ્મીર સરકારે તેને મંજૂરી આપી ન હોત.