- જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકી અથડામણ
- સેનાના 48 નેશનલ રાઇફલ્સના કેપ્ટન થયા શહીદ
- ડોડા જિલ્લામાં સેનાનું સર્ચ ઓપરેશન યથાવત
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. જેમાં સેનાના એક કેપ્ટન શહીદ થયા હોવાની ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા છે. હાલમાં પણ ડોડા વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે.મહત્વનું છે કે આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે એક આતંકવાદી ઘાયલ થયો છે. જેને લઇને સેનાએ એન્ટી ટેરર ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન એમ-4 રાઇફલ અને 3 બેગ મળી આવી હતી.
5 જવાનો થયા હતા શહીદ
મહત્વનું છે કે ગયા મહિને ડોડા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ જવાનોનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ના સૈનિકોએ ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર જંગલ વિસ્તારમાં સંયક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું તે દરમિયાન આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બહાદુર સૈનિકોએ જંગલોમાં તેઓનો પીછો કર્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં આતંકી અથડામણ થયુ હતુ જેમાં સેનાના પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આતંકી છૂપાયા હોવાની મળી હતી માહિતી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમ્મુના ઉધમપુર જિલ્લાના પટનીટોપ અને ડોડા જિલ્લાના અસારના સરહદી જંગલોમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું. મંગળવારે સાંજે 7:00 થી 8:00 વાગ્યાની વચ્ચે સુરક્ષા દળની ટીમે એ જગ્યા પર પહોંચી જ્યાં આતંકવાદીઓ આરામ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓએ ત્યાં હથિયારો અને દારૂગોળો રાખ્યો હતો. જો કે આતંકીઓની આંખ ખૂલી તો સુરક્ષા દળોને જોઇને પરસેવો છૂટી ગયો. આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકીઓએ પોતાનો ઘેરાવ થતા તુરંત જ ત્યાઁથી ભાગી ગયા. જો કે ઉતાવળમાં એક એમ4 કાર્બાઇન અને દારૂ ગોળા ત્યાં જ મૂકીને જતા રહ્યા. સેનાના જવાનોએ ઘટના સ્થળેથી દારૂ ગોળા કબ્જે કર્યા હતા.