- જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં માર્ગ અકસ્માત
- દુર્ઘટનામાં 8 લોકોના મોત, 5 બાળકોનો પણ સમાવેશ
- કિશ્તવાડથી આવી રહી હતી કાર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડક્સુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં એક કાર ખાડામાં પડી જતા કારમાં સવાર 8 લોકો મોતને ભેટ્યા.
કિશ્તવાડથી આવી રહી હતી કાર
પોલીસના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતી સુમો કાર જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહી હતી. કારે નિયંત્રણ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જેમાં 5 બાળકો, બે મહિલાઓ અને એક પુરુષ (પોલીસમેન)નો સમાવેશ થાય છે. હાલ ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે તપાસ કરી શરૂ
ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કેસ નોંધવામાં આવ્યો અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
પોલીસકર્મી તેના બાળકો સાથે કારમાં સવાર
આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કાર અનિયંત્રિત થતા કાર ખીણમાં પડી હતી.