જમ્મુ કાશ્મીરના પહેલગામ પર આતંકવાદીઓએ હુમલો કરતાં અત્યારે અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. પહેલ ગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. પહેલગામમાં આતંકવાદી પર કરવામાં આવેલ હુમલાની જુલાઈ મહિનામાં શરૂ થતી અમરનાથ યાત્રા પર પણ અસર થઈ શકે છે. દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રામાં સામેલ થાય છે. . અમરનાથ યાત્રાને લઈને હાલમાં સરકાર તરફથી કોઈ મહત્વનું અપડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ પહેલગામના હુમલાએ ફરી એકવાર શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. મહત્વનું છે કે અમરનાથ યાત્રા મુખ્ય બે માર્ગ પરથી કરવામાં આવે છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ પહેલગામથી બાબા બરફાનીના માર્ગને વધુ પસંદ કરે છે. અને એટલે જ જે શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામમાં અત્યારે ચિંતાનુ મોજુ જોવા મળ્યું છે.
પહેલગામ મહત્વનું સ્થાન
અમરનાથ યાત્રામાં પહેલગામ મહત્વનું સ્થાન છે. અમરનાથ યાત્રા માટે મહત્વના બે માર્ગ છે. જેમાં એક રૂટ પરથી પહેલગામથી અમરનાથ યાત્રાનો આરંભ થાય છે. જ્યારે અન્ય રૂટ બાલતાલ જે વધુ કપરો માનવામાં આવે છે. પહેલગામથી અમરનાથ ગુફાનો માર્ગની લંબાઈ લગભગ 48 કિમી છે. આ રૂટ પર યાત્રા માટે લગભગ 3-4 દિવસનો સમય લાગે છે. યાત્રામાં પહેલગામ પછીનું સ્ટોપ ચંદનવાડી છે, જે પહેલગામ બેઝ કેમ્પથી લગભગ 16 કિમી દૂર છે. ચંદનવાડી પછી, મુખ્ય સ્ટોપ પિસુ ટોપ, શેષનાગ અને પંચતરણી છે. પંચતરણીથી અમરનાથ ગુફાનું અંતર લગભગ 6 કિમી છે.જે ચંદનવારી, શેષનાગ અને પંચતરણી થઈને પવિત્ર ગુફા સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ પૂરો પાડે છે. મુખ્ય બેઝ કેમ્પ તરીકે, તે રહેવાની વ્યવસ્થા અને તબીબી સહાય જેવી મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે.
અગાઉ થયા હતા હુમલા
પહેલગામ પરના હુમલાએ યાત્રા સીઝન પહેલા યાત્રાળુઓની સલામતી અંગે ચિંતાઓ ઉભી કરી છે. અગાઉ 2000 માં, અમરનાથ બેઝ કેમ્પ પર થયેલા હુમલામાં 30 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 60 ઘાયલ થયા હતા. તે પછીના વર્ષે, શેષનાગ ખાતે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા અને 15 ઘાયલ થયા હતા. 2002ના હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા. 2017 માં, અમરનાથ મંદિરથી પરત ફરતી વખતે 8 યાત્રાળુઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, મે 2023 માં, પહેલગામમાં રાજસ્થાનના એક પ્રવાસી દંપતીને ગોળીબારમાં ઇજા થઈ હતી. પહેલગામ વાર્ષિક અમરનાથ યાત્રા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપે છે. અમરનાથ યાત્રા માટે પહેલાગામનો રૂટ સૌથી જૂનો અને પરંપરાગત માર્ગ માનવામાં આવે છે. આ માર્ગ ભલે લાંબો હોવાથી શ્રદ્ધાળુઓ આ રૂટને વધુ પસંદ કરે છે ત્યારે વર્તમાન સ્થિતિને પગલે અમરનાથ યાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે. સંભવત અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીને લઈને લશ્કરી છાવણીને ઉતારી દેવામાં આવે.
દેશભરમાં તણાવનો માહોલ
પહેલગામ પર આતંકવાદી હુમલાની ઘટનાને દેશભરમાં તણાવનો માહોલ ઉભો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટનાને પગલે પોતાની સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવી ભારત પરત આવી ગયા છે. ગૃહમંત્રી અમિતશાહે જમ્મુ-કાશ્મીરમાં હુમલા બાદ કમાન સંભાળતા આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આર્મીએ હાથ ધરેલ ઓપરેશનમાં ઘટનાના બીજા દિવસે આજે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પર્યટન ઉદ્યોગ પર મોટી અસર પડી શકે છે. હાલમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવતા સ્થિતિ થાળે પડતા વધુ સમય લાગશે તેવું લાગી રહ્યું છે.