શનિવારે સવારે જમ્મુ શહેરના રેહાડી વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા બોમ્બથી હુમલો કરાયો હતો. જેમાં એક મકાન પાસે પાકિસ્તાની મોર્ટાર શેલ પડ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોર્ટાર શેલ ઘર પાસે પડતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અચાનક થયેલા હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતાં. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બધાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.


સરહદ પારથી ગોળીબાર અથવા મોર્ટાર શેલિંગનો ભાગ હોઈ શકે

ઘટના બાદ તરત જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્રે કહ્યું છે કે આ ઘટના પાકિસ્તાન તરફથી સરહદ પારથી ગોળીબાર અથવા મોર્ટાર શેલિંગનો ભાગ હોઈ શકે છે. આ મામલાની તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ તેને ગંભીરતાથી લઈ રહી છે. લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

બંને દેશો ફરી એકવાર યુદ્ધવિરામ પર સંમત થયા

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા માટે બંને દેશો ફરી એકવાર યુદ્ધવિરામ પર સંમત થયા છે. બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. યુદ્ધવિરામનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તાજેતરના સમયમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી.જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને આનાથી રાહત મળવાની અપેક્ષા છે.આ કરાર પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે આ પગલાથી સરહદ પર સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને ભવિષ્યમાં વાટાઘાટોનો માર્ગ પણ મોકળો થઈ શકે છે.


  • Follow us on: