જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સોપોરના પાણીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.


પોલીસે આપી એન્કાઉન્ટરની માહિતી

સુરક્ષા દળો જેવા છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચ્યા કે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે સોપોર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલમાં તેમની ઓળખ અને નેટવર્કની ખાતરી કરવામાં આવી રહી છે. આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હોવાનું પણ જણાવ્યું.

આતંકીઓ સામે કડક કાર્યવાહી

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે. જેને પગલે સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. 20 ઓક્ટોબરના રોજ આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કંપનીના લેબર કેમ્પ પર હુમલો કરીને સાત લોકોની હત્યા કરી દીધી હતી. આ પછી 24 ઓક્ટોબરના રોજ બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના બુટા પાથરી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ સૈનિકો અને બે નાગરિક મોતને ભેટ્યા હતા.


  • Follow us on: