- જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો
- આતંકી હુમલામાં 4 જવાનો શહીદ અને 6 જવાન ઘાયલ
- ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ યથાવત
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાનો શહીદ થયા છે અને છ જવાન ઘાયલ થયા છે. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આતંકવાદીઓએ લોઈ મરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. આ પછી, જવાબી કાર્યવાહીમાં, જમ્મુ-કાશ્મીર પોલીસની SOG ટીમે કઠુઆ જિલ્લાના સમગ્ર માચેડી વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓની શોધ શરૂ કરી. આ દરમિયાન બદનોટા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
ભારતીય સેના પર હુમલો મંદિરની 500 મીટર નજીક અને જિલ્લા મુખ્યાલયથી 120 કિલોમીટર દૂર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તાર ભારતીય સેનાના 9 કોર્પ્સ હેઠળ આવે છે. આતંકીઓના ગોળીબાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જમ્મુના જે વિસ્તારો આતંકવાદ મુક્ત માનવામાં આવતા હતા. ત્યાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. 9 જૂને રાયસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને 33 ઘાયલ થયા હતા. 12 જૂને કઠુઆના હીરાનગરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 26 જૂને ડોડા જિલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.













