પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી હરિયાણાના હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ દાવો કર્યો છે કે તે નિર્દોષ છે. મલ્હોત્રાના વકીલ કુમાર મુકેશે જણાવ્યું હતું કે જ્યોતિ મલ્હોત્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે તપાસ દરમિયાન પોલીસને શું મળ્યું છે, તે ચાર્જશીટ પછી ખબર પડશે. 


સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, "મને ગઈકાલે (ગુરુવારે) જ્યોતિ મલ્હોત્રાએ વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ગઈકાલે વકાલતનામા પર હસ્તાક્ષર કર્યા હતા. મેં તે કોર્ટમાં રજૂ કર્યા છે. મેં કેટલાક દસ્તાવેજો માંગ્યા છે, હું કાયદા મુજબ તે મેળવીશ."

અત્યાર સુધીની અપડેટ

કુમાર મુકેશે કહ્યું, “હવે બધું ખુલ્લેઆમ થઈ ગયું છે, પોલીસે FIR દાખલ કરી, તેની ધરપકડ કરી અને રિમાન્ડ પર મોકલી દીધા હતા. મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. બેંક સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. આ બધાનો અભ્યાસ કર્યા પછી આગળની માહિતી આપવામાં આવશે. 

તેમણે કહ્યું, "પોલીસ ફરિયાદના આધારે, 16 મેના રોજ FIR દાખલ કરવામાં આવી હતી અને તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી અને કોર્ટના નિર્ણય બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલાઈ હતી. 26 મેના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે."

પાકિસ્તાનમાં સુરક્ષા મેળવવા અંગે વકીલનું નિવેદન

પૈસા મળવાના પ્રશ્ન પર વકીલે કહ્યું કે જો તે બ્લોગર છે તો તેને પૈસા મળશે, પ્રશ્ન એ છે કે આ પૈસા ક્યાંથી આવ્યા, જો ISI અને પાકિસ્તાની એજન્ટોએ પૈસા આપ્યા હોય તો તે અલગ વાત છે, પરંતુ જો તે બીજે ક્યાંકથી આવ્યા હોય તો તે સ્વાભાવિક છે. સ્પોન્સરશિપ દ્વારા પણ આવી શકે છે. પૈસા ક્યાંથી આવ્યા તે તો પોલીસ જ કહેશે.

પાકિસ્તાનમાં જ્યોતિ મલ્હોત્રાને સુરક્ષા મળવા અંગે વકીલે કહ્યું કે જ્યોતિ મલ્હોત્રાના ઘણા વીડિયો છે, પરંતુ બંને પક્ષોને જાણવું મહત્વપૂર્ણ છે. કોઈપણ વ્યક્તિને સુરક્ષા મળી શકે છે. જો તે બ્લોગર છે તો તેને પણ સુરક્ષા મળી શકે છે.

  • Follow us on: