ભારતમાં અત્યારે ઓપરેશન સિંદૂરને પગલે સેનાની કામીગીરી અને દેશના નેતૃત્વની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ પણ સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના કચ્છ સહિતના અનેક સ્થાનો પર સેના અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન આ તપાસમાં ભારતના હાથમાં એક મોટી લિન્ક (કડી) હાથ લાગી. હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રા લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડારમાં હતી. જેના બાદ હાલમાં જયોતિ મલ્હોત્રાનું પાકિસ્તાન સાથે કનેકશન ખૂલતા તેની ધરપકડ કરવામાં આવી છે.
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા થઈ શકે જનમટીપ
હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અત્યારે સમાચારોની હેડલાઈન બની રહી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્ક હોવાનું ખૂલ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી. પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરતા સંવેદનશીલ માહિતી શેર કરતી હોવાના આરોપ હેઠળ શનિવારના રોજ જયોતિ મલ્હોત્રાની ધરપકડ કરી લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા હતા. આ મામલે વધુ તથ્યો સામે આવે માટે પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થયેલા ડેટાની ફોરેન્સિક તપાસ ચાલુ છે અને ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળી આવ્યા છે. ભારતની સંવેદનશીલ માહિતી દુશ્મન સાથે શેર કરવાના ગુનામાં યુટયુબરને જાસૂસી કરવા બદલ ઉમંરકેદની સજા થઈ શકે તેવુ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે. અગાઉ પણ જાસૂસી કરવાના ગુનામાં સામાન્ય નાગરિકોથી લઈને સેનાના અધિકારીઓને ગંભીર સજા કરવામાં આવી છે.
પ્રદીપ કુરુલકર કેસ (2023)
DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાની જાસૂસ સાથે સંપર્કમાં રહેવા અને સંવેદનશીલ માહિતી વહેંચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા માહિતી વહેંચી હતી. પ્રદીપ કુરુલકરની મહારાષ્ટ્ર ATS દ્વારા પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક મહિલા એજન્ટ તરફ આકર્ષાયો અને તેને ઘણી બધી ખાનગી માહિતી આપી.
નિશાંત અગ્રવાલ કેસ (2024)
બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરવા બદલ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. તેણે સંવેદનશીલ માહિતી વહેંચી હતી અને તેને કડક કાયદાઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
લભશંકર મહેશ્વરી કેસ (2023)
ગુજરાતના લભશંકર મહેશ્વરીને વોટ્સએપ દ્વારા ભારતીય સેનાના કર્મચારીઓને માલવેર મોકલીને માહિતી એકત્રિત કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ માટે કામ કર્યું હતું.
નરેન્દ્ર કુમાર કેસ (2023)
રાજસ્થાનના બિકાનેરના નરેન્દ્ર કુમારને પાકિસ્તાની મહિલા એજન્ટ્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહીને સંવેદનશીલ માહિતી વહેંચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ પણ પાકિસ્તાની જાસૂસોની થઈ છે ધરપકડ
ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે. છેલ્લા 11 દિવસમાં કુલ 6 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ જાસૂસી કરવા બદલ 2016 માં, પોસ્ટ વિભાગમાં કામ કરતા 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જયારે ડિસેમ્બર 2015 માં પણ 3 લોકોની ધરપકડ કરાઈ હતી. જેમાંથી એક વાયુસેનામાં એરમેન હતો, બીજો ભૂતપૂર્વ સૈનિક હતો, ત્રીજો ભારતીય સેનામાં રાઇફલમેન હતો અને ચોથો નિવૃત્ત સૈન્ય હવાલદાર હતો.
કઈ કલમો હેઠળ કેસ યુટયુબર સામે કેસ નોંધવામાં આવ્યો
જ્યોતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 152 અને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 ની કલમ 3, 4 અને 5 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની લેખિત કબૂલાત પણ નોંધવામાં આવી છે. આ તપાસ હવે હિસારની આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે. ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ જયોતિ મલ્હોત્રાને આજીવન કેદની સજા થઈ શકે છે.