ઉત્તર પ્રદેશના કાનપુરમાં લગભગ ચાર મહિના પહેલા એક જિમ ટ્રેનરે એક મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને ડીએમ હાઉસ કેમ્પસમાં દાટી દીધો હતો. તેને આ વિચાર અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ' જોયા પછી આવ્યો હતો.
જીમ ટ્રેનર ફિલ્મ 'દ્રશ્યમ'ના બંને પાર્ટ જોઈ ચૂક્યો હતો. જ્યારે તેને એકતાની હત્યા કરી અને લાશનો નિકાલ કરવાનો વિચાર કર્યો ત્યારે તેને 'દ્રશ્યમ' ફિલ્મ યાદ આવી ગઈ. આ પછી જ તેને વિચાર આવ્યો કે જો તે ડીએમ હાઉસ કેમ્પસમાં એકતાના મૃતદેહને દફનાવશે તો પોલીસ ક્યારેય વિશ્વાસ નહીં કરે.
ફિલ્મી સ્ટાઈલથી છુપાવી લાશ
ફિલ્મ દ્રશ્યમની જેમ પોલીસ ફોર્સે કાનપુરના ડીએમ હાઉસ કેમ્પસમાં મધરાતે એક મહિલાનું હાડપિંજર ખોદીને બહાર કાઢ્યું હતું. જિમ ટ્રેનરે જૂન મહિનામાં જ મહિલાના મૃતદેહને દફનાવ્યો હતો, જેના કારણે શરીરમાં માત્ર હાડકા જ બચ્યા હતા. મહિલાની ઓળખ તેના પતિ અને ભાઈએ કપડા અને વાળ દ્વારા કરી હતી, સરકારી મકાનમાંથી જે રીતે મહિલાની લાશ મળી તે ફરી એકવાર બોલીવુડ ફિલ્મ 'દ્રશ્યમ'ની યાદ અપાવી.
ડીએમ હાઉસ કમ્પાઉન્ડમાં મૃતદેહને દફનાવ્યો
પોલીસ સૂત્રોની વાત માનીએ તો આરોપી વિમલ સોનીએ જણાવ્યું કે આ કરવાનો વિચાર તેને ફિલ્મ 'દ્રશ્યમ' જોયા પછી આવ્યો હતો. મહિલાની હત્યા કર્યા પછી, જ્યારે આરોપીએ મૃતદેહનો નિકાલ કરવાનું વિચાર્યું, ત્યારે તેને ફિલ્મ 'દ્રશ્યમ' યાદ આવી જેમાં અજય દેવગન મૃતદેહને નિર્માણાધીન પોલીસ સ્ટેશનની અંદર દાટી દે છે. આરોપી ઘણા વર્ષોથી ડીએમ કમ્પાઉન્ડમાં આવતો હતો, તેથી તેણે એકતાના મૃતદેહને ત્યાં દફનાવવાનો પ્લાન પણ બનાવ્યો હતો જેથી કોઈને વિશ્વાસ ન થાય કે ડીએમના નિવાસસ્થાનમાં કોઈ હત્યા કરી લાશને છુપાવી શકે છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે જણાવ્યું કે તેઓ ઘણા મહિનાઓથી આરોપી વિમલ પર નજર રાખી રહ્યા હતા, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી તો પહેલા તે ખોટું બોલતો રહ્યો. જ્યારે તેને હત્યાની કબૂલાત કરી ત્યારે તે પોલીસને બિથુર ઘાટ પર લઈ ગયો અને કહ્યું કે તેને એકતાની હત્યા કરી હતી અને તેને નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે જ્યારે સીસીટીવી ચેક કર્યા તો વિમલનું જુઠ્ઠું પકડાઈ ગયું, ત્યારબાદ તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે વિમલે કહ્યું કે તે એકતાની હત્યા કરીને લાશને ડીએમ કમ્પાઉન્ડમાં દાટી હતી.
કપડાં અને વાળ દ્વારા એકતાની થઈ ઓળખાણ
જે બાદ રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસની ટીમે DM કમ્પાઉન્ડમાં 5 થી 6 ફૂટ સુધી ખોદકામ કર્યા બાદ એકતાનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં માત્ર હાડપિંજર જ બચ્યું હતું. કપડાં અને વાળના આધારે એકતાની ઓળખ કરવામાં આવી હતી અને તેના અવશેષોને આગળની કાર્યવાહી માટે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
કાનપુરના બિઝનેસમેન રાહુલ ગુપ્તાની પત્ની એકતા ગુપ્તા (32) દરરોજ સવારે ગ્રીન પાર્ક વિસ્તારમાં જિમ કરવા જતી હતી. 24 જૂને પણ તે સવારે 5:30 વાગે જિમ જવા નીકળી હતી, પરંતુ પરત આવી ન હતી. આ પછી પતિએ જિમ ટ્રેનર વિરુદ્ધ પોલીસમાં એકતાના અપહરણની FIR નોંધાવી.
પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે લગભગ એક વર્ષથી અફેર ચાલતું હતું. જ્યારે આરોપીના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા ત્યારે એકતાએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો અને દલીલ એટલી વધી ગઈ કે વિમલ સોનીએ તેને મુક્કો માર્યો અને તેનું મોત નીપજ્યું. જે બાદ તેને મૃતદેહને ડીએમ નિવાસ સંકુલમાં દફનાવ્યો હતો. પરંતુ મહિલાના પતિનું કહેવું છે કે એવું કંઈ જ ન હતું. તેની પત્નીને કોઈની સાથે સંબંધ ન હતો.
પોલીસ તમામ પાસાઓની કરી રહી છે તપાસ
સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આરોપીઓએ આટલો મોટો ખાડો કેવી રીતે ખોદ્યો અને ડીએમ નિવાસમાં કડક સુરક્ષા વચ્ચે લાશનો નિકાલ પણ કર્યો. આ વાતની કોઈને જાણ ન હતી. પોલીસ આ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું તેમાં કોઈ સરકારી કર્મચારી પણ સંડોવાયેલ છે.













