• કાવડ યાત્રાને લઇને યુપી સરકાર દ્વારા તૈયારીઓ તેજ
  • દુકાનદારોને પોતાના નામનું બોર્ડ રાખવા નિર્દેશ
  • સરકારના આ નિર્દેશને લઇને વિપક્ષે તાક્યુ નિશાન

યુપી સરકાર કાવડ યાત્રાને લઇને તૈયારીઓમાં વ્યસ્ત છે. કાવડ યાત્રામાં કોઇને અગવડ ન પડે તે માટે ગાઇડલાઇન પણ તૈયાર કરવામાં આવી છે. આ દરમિયાન મુઝફ્ફરનગરમાં દુકાનદારોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેમના નામ સાથે તેઓ વ્યવસાય કરે. એટલે કે દુકાનદારોએ તેમની દુકાન પર તેમના નામનું બોર્ડ લગાવવાનું રહેશે. આ નિર્દેશને લઇને વિપક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. મુઝફ્ફરનગરના SSPએ કહ્યું કે યાત્રા દરમિયાન કોઈ વિવાદ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અખિલેશ યાદવે શું કહ્યું ?

મહત્વનું છે કે મુઝફ્ફરનગરમાં દુકાનદારોને નકલી નામનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એટલે કે મુસ્લિમ દુકાનદારોએ તેમની દુકાનો પર પોતાના નામના બોર્ડ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા અનેક દુકાનદારોએ પણ પોતાની દુકાનોની બહાર નામો લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ મામલે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નિવેદન આપ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે અને જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ હોય, તો તેમના નામથી શું ખબર પડશે ? વધુમાં કહ્યું કે માનનીય અદાલતે સંજ્ઞાન લેવું જોઈએ અને આવા વહીવટ પાછળના વહીવટીતંત્રના ઈરાદાની તપાસ કરવી જોઈએ અને યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. આવા આદેશો સામાજિક અપરાધો છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવા માંગે છે.

શું અપાયો છે આદેશ ?

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં 22 જુલાઈથી શરૂ થઈ રહેલી કાવડ યાત્રાને લઈને સરકાર દ્વારા નવો આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ કાવડયાત્રાના માર્ગે આવતી દરેક ખાણીપીણીની દુકાન કે કાર્ટના માલિકે દુકાનની બહારના બોર્ડ પર કે ગાડી પર પોતાનું નામ લખવાનું રહેશે, જેથી કોઈ કાવડિયાને ગેરસમજ ન થાય. કાવડિયાઓમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


  • Follow us on: