- રાજસ્થાનમાં પલટાશે રાજકારણ
- ભાજપ પૂર્ણ બહુમતી તરફ અગ્રેસર
- ગેહલોતનો જાદુ ન ચાલી શક્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ના વલણો અનુસાર, ભાજપ આ વખતે રાજસ્થાનમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી લડીને ભાજપે કોંગ્રેસના જાદુગર ગેહલોતને ફેઈલ કર્યા છે. રાજસ્થાનમાં દર 5 વર્ષે પાર્ટીને બદલવાની પરંપરા કાયમ રહી છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ના ટ્રેન્ડ્સ અનુસાર, ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસના જાદુગર અશોક ગેહલોતનો જાદુ કોઈ કામે આવ્યો નથી અને આ વિધાનસભા ચૂંટણીમાં લીક, લીકેજ અને લાલ ડાયરી જેવા મુદ્દાઓને ભાજપે ચૂંટણી પ્રચારમાં હથિયાર બનાવીને 5 વર્ષ બાદ રાજ્યમાં ફરીથી સત્તા મેળવી છે.
આ વખતે ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ પેપર લીક, લાલ ડાયરી, ભ્રષ્ટાચાર, મોદીની ગેરંટી, મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સીએમ ગેહલોતની સરકારે ચૂંટણીના વર્ષમાં ઘણી લોકલુભાવન જાહેરાતો કરી હતી, આરોગ્ય વીમાની મર્યાદા વધારીને રૂ. 50 લાખ કરવાની ગેરંટી આપી, સસ્તા સિલિન્ડર સહિતના તમામ આકર્ષક વચનો આપ્યા પરંતુ રાજસ્થાનના લોકોએ ભાજપ પર ભરોસો દર્શાવ્યો હતો.જો કે આ ચૂંટણીમાં અમુક એવા કારણો છે જેને લઈને ગેહલોતને ગાદી ગુમાવવાનો વારો આવ્યો છે.
પેપર લીક કેસ
રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ જોરદાર રીતે ઉઠાવેલા મુદ્દાઓમાં પેપર લીકનો મુદ્દો એક હતો. તેમણે જનતાને કહ્યું હતું કે ભાજપની સરકાર આવ્યા બાદ જે પણ કૌભાંડો કોંગ્રેસના સમયમાં થયા છે તેની તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલાશે. ગેહલોત પર આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ પોતાને જાદુગર કહે છે, પરંતુ તેમણે પોતાના જાદુથી રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભ્રમ ફેલાવ્યો છે. પેપર લીક થવું એ સામાન્ય બાબત બની ગઈ છે અને તેને રાજકીય સંરક્ષણ મળ્યું છે. પીએમ મોદીએ તો એવી વાત પણ કરી હતી કે જો મોટી કોચિંગ સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવશે તો સીએમ ગેહલોતના નજીકના લોકોના નામ સામે આવશે.
લાલ ડાયરી
રાજસ્થાનના રાજકારણમાં લાલ ડાયરીનો મુદ્દો નવો નથી. લાંબા સમયથી આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પીએમ મોદીએ આ ચૂંટણી પ્રચારમાં તેને મોટો વેગ આપ્યો. રાજસ્થાન સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાએ પણ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો હિસાબ હોવાની વાત કરી હતી. આ લાલ ડાયરીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જેમ જેમ આ ડાયરીના પાના ખુલી રહ્યા છે તેમ તેમ જાદુગરના ચહેરા પરથી નૂર ઉડી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં રાજસ્થાનનું પાણી, જંગલ અને જમીન કેવી રીતે વેચી છે તેનો હિસાબ લાલ ડાયરીમાં છે. રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામનો તાર કોની સાથે જોડાયેલા છે તે કોઈનાથી છૂપાયેલ નથી.
જૂથવાદ
રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર જૂથવાદનો ચરૂ ઉકળી રહ્યો હતો. સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે જે વિવાદ થયો તે કોઈનાથી છૂપાયેલો નથી. આની અસર રાજ્યમાં પાર્ટીના કાર્યકર્તાઓ પર પણ પડી અને લોકોમાં મેસેજ પણ ખોટો ગયો. જો કે ચૂંટણી પહેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંનેને એક કરવાનો પ્રયાસ કર્યો હતો અને 'અમે સાથે છીએ'નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાના માનસ પર પીએમ મોદીની છાપ વધુ જામી હતી.
કન્હૈયાલાલ હત્યા કેસ
રાજસ્થાનના ચૂંટણી પ્રચારમાં ભાજપે ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. આ મુદ્દાના લીધે રાજ્યમાં સનાતનને લઈને પણ એક મેસેજ ગયો. કહેવાય છે કે રાજસ્થાન જીતવું હોય તો પહેલા મેવાડ જીતવું પડશે અને મારવાડમાં ઉદયપુર છે. કન્હૈયાલાલ હત્યા કેસને લઈને ભાજપે કોંગ્રેસ સરકારની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને અશોક ગેહલોત પણ આ બાબતે કોઈ નક્કર કામગીરી દાખવી શક્યા નહોતા.
EDની એન્ટ્રી
પાંચ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન EDએ પણ બે રાજ્યોમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાનમાં, EDએ પેપર લીક કેસમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા અને કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ હુડલાના ઘરો પર દરોડા પાડ્યા હતા. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અશોક ગેહલોતે દરેક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે વાત કરી હતી પરંતુ તેનો ફાયદો માત્ર ભાજપને જ થતો જોવા મળ્યો હતો. આમ સેન્ટ્રલ એજન્સીના દરોડાના લીધે પણ કોંગ્રેસની છબી બગડી હતી.