- કોલકાતામાં ટ્રેની ડોક્ટરની હત્યાનો મામલો
- દેશભરમાં થઇ રહ્યું છે વિરોધ પ્રદર્શન
- કેન્દ્ર સરકારે હોસ્પિટલો માટે જાહેર કર્યા નિર્દેશ
કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને મર્ડર મામલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠરે ઠરે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કોલકાતા આર જી મેડિકલ હોસ્પિટલની બહાર વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો. માત્ર ડોકટરો પર મારપીટ જ નહી પરંતુ હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બની છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
કેન્દ્ર સરકારે શું સૂચના આપી?
કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય સંસ્થાઓને ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું કે જો ડોક્ટરો પર હુમલો કે હિંસા થશે તો સંસ્થાઓએ 6 કલાકની અંદર સંબંધિતો વિરુદ્ધ FIR દાખલ કરવી પડશે. આ સંદર્ભમાં આરોગ્ય મંત્રાલયે તમામ આરોગ્ય સંસ્થાઓને મેમો મોકલ્યો છે. મેમોરેન્ડમ મુજબ ફરજ પરના હેલ્થ કેર વર્કર સામે હુમલો અથવા કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ કે સંસ્થાના વડાની રહેશે.
હાઇકોર્ટ પણ આકરાપાણીએ
મહત્વનું છે કે બુધવારે કેટલાક લોકો હોસ્પિટલ પરિસરમાં ઘૂસી ગયા હતા આરજી કાર મેડિકલ કોલેજ પર હુમલો કર્યો હતો. આ મામલે હાઈકોર્ટ પણ કડક વલણ દાખવી રહી છે. સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે રાજ્યનું તંત્ર આ મામલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. કોર્ટે સલાહ આપી છે કે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને હોસ્પિટલમાં હાજર દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે વધુ સારું રહેશે. કોર્ટે કહ્યું કે 7000 લોકો ચાલીને કેવી રીતે પહોંચ્યા.
દેશભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ
કોલકાતા કેસને લઈને દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરોની અનિશ્ચિત મુદતની હડતાળ ચાલુ રહેશે. શુક્રવારે, AIIMS, સફદરજંગ, RML, લોકનાયક, જીબી પંત સહિત દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં OPD, રૂટિન સર્જરી અને ઈમરજન્સી સિવાયની અન્ય તમામ તબીબી સુવિધાઓને અસર થઈ હતી. પટના, લખનૌ, ભોપાલ વગેરે શહેરોમાં ડૉક્ટરો હડતાળ પર રહ્યા.