- કોલકાતા મહિલા ડોક્ટરની હત્યાનો મામલો
- આરોપી સંજય રૉયનો થશો પોલીગ્રાફ ટેસ્ટ
- આરોપીનો થઇ ચૂક્યો છે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ
કોલકાતા મહિલા ડોક્ટરની હત્યા મામલે સીબીઆઇને આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. સિયાલદહ કોર્ટે પોલીગ્રાફ ટેસ્ટ કરાવાની મંજૂરી આપી છે. મૃતકોના માતા પિતાને સીબીઆઇની ટીમ મળી હતી. હવે આરોપી સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ થઇ ચૂક્યો છે. ત્યારે હવે પોલીગ્રાફ ટેસ્ટ થશે. આવો જાણીએ શું હોય છે આ ટેસ્ટમાં, શું કામ કરવાની જરૂર પડે છે.
શારિરીક પ્રતિક્રિયાઓ કરે છે રેકોર્ડ
પોલીગ્રાફ ટેસ્ટ એ ધારણા પર આધારિત છે કે જ્યારે વ્યક્તિ જૂઠું બોલે છે ત્યારે શારીરિક પ્રતિક્રિયાઓ (હૃદયના ધબકારા, શ્વાસમાં ફેરફાર, પરસેવો, વગેરે) ટ્રિગર થાય છે. પૂછપરછ દરમિયાન, કાર્ડિયો-કફ અથવા સંવેદનશીલ ઇલેક્ટ્રોડ જેવા ઉપકરણો વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે અને બ્લડ પ્રેશર, પલ્સ, રક્ત પ્રવાહ વગેરે માપવામાં આવે છે. પોલીગ્રાફ મશીન વ્યક્તિના શારીરિક પ્રતિભાવોમાં થતા ફેરફારોને રેકોર્ડ કરે છે. જે જણાવે છે કે વ્યક્તિ સાચું બોલી રહી છે કે જૂઠું બોલી રહી છે. તેના આધારે દરેક પ્રતિભાવને સંખ્યાત્મક મૂલ્ય આપવામાં આવે છે.
કેવા કરાય છે સવાલ ?
જ્યારે કોઈ વ્યક્તિ પોલીગ્રાફ મશીન સાથે જોડાયેલ હોય છે ત્યારે તેને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. મશીન વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયાઓ રેકોર્ડ કરે છે. પ્રશ્નો સામાન્ય રીતે ફક્ત "હા" અથવા "ના" માં પૂછવામાં આવે છે. શરૂઆતમાં તેને સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે કેસ સાથે સંબંધિત ન પણ હોય.
શુ આવા ટેસ્ટ સટીક હોય છે?
ન તો પોલીગ્રાફ ટેસ્ટ કે નાર્કો ટેસ્ટ 100% સફળ સાબિત થયા છે. તબીબી ક્ષેત્રે આ મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. જો કે તપાસ એજન્સીઓ દ્વારા તેઓને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે તેઓને શંકાસ્પદ લોકો પાસેથી સત્ય બહાર કાઢવા માટે 'થર્ડ ડિગ્રી'ના 'સોફ્ટ વિકલ્પો' તરીકે જોવામાં આવે છે.
આ પરિણામે પુરાવા તરીકે ગણાય ?
પરીક્ષણના પરિણામોને 'કબૂલાત' ગણી શકાય નહીં. જો કે આવા પરીક્ષણની મદદથી પછીથી શોધાયેલ કોઈપણ માહિતી અથવા સામગ્રી પુરાવા તરીકે સ્વીકાર્ય હોઈ શકે છે. 'સેલ્વી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય' (2010) કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે જો કોઈ આરોપી પરીક્ષણ દરમિયાન હત્યાના હથિયારનું સ્થાન જાહેર કરે છે અને પોલીસને શોધખોળ દરમિયાન તે સ્થળેથી હથિયાર મળી આવે તો આરોપીનું નિવેદન પુરાવા તરીકે નહી ગણાય પણ જે હથિયાર છે તે પુરાવો ગણાશે.