જમીનના બદલામાં નોકરીઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બિહારના લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કેટલાક સભ્યોને સમન્સ પાઠવ્યા છે. આ સમન્સમાં લાલુ અને તેમના પરિવારના સભ્યોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ઇડીએ પાઠવ્યા સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા આ સમન્સમાં લાલુના પુત્ર તેજ પ્રતાપ અને પત્ની રાબડી દેવીને આજે એટલે કે મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જ્યારે લાલુ યાદવને કાલે પટના સ્થિત ઝોનલ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ કેસ કથિત જમીનને બદલે-નોકરી કૌભાંડ સાથે જોડાયેલો છે, જેમાં મની લોન્ડરિંગના આરોપો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે EDના સમન્સ પર લાલુ યાદવ હાજર થશે કે નહી. તાજેતરમાં જ તેમના પુત્ર તેજ પ્રતાપ અને પુત્રીને કોર્ટમાંથી જામીન મળ્યા છે. તે દરમિયાન કોર્ટે લાલુને હાજર ન રહેવા બદલ મુક્તિ આપી હતી.
ફરી કેમ પાઠવ્યા સમન્સ ?
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ EDએ લાલુ યાદવની પૂછપરછ કરી હતી. તેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું પરંતુ EDનું કહેવું છે કે હવે કેટલાક નવા પુરાવા મળ્યા છે, જેના આધારે ફરીથી પૂછપરછ કરવામાં આવશે. આ પછી કાર્યવાહી કરવામાં આવશે.
શું છે આરોપ?
એવો આરોપ છે કે 2004 થી 2009 સુધી, ભારતીય રેલ્વેના વિવિધ ઝોનમાં ગ્રુપ ડી પોસ્ટ્સ પર ઘણા લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બદલામાં આ લોકોએ તેમની જમીનો તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ યાદવના પરિવારના સભ્યો અને તેમની સંબંધિત કંપની એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી.
નોકરી માટે જમીનનો કેસ શું છે?
જમીનના બદલામાં નોકરીનો આ મામલો 2004 થી 2009 સુધીનો છે. જ્યારે લાલુ પ્રસાદ યાદવ દેશના રેલ્વે મંત્રી હતા. લાલુ યાદવ પર રેલ્વે મંત્રી તરીકેના પોતાના પદનો દુરુપયોગ કરવાનો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીના પદ પર ઘણા લોકોને નોકરી આપવાનો આરોપ છે. ગયા મહિને કોર્ટે આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણના મોત થયા છે. આ કેસમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી ઘણી વખત કોર્ટમાં હાજર થયા છે.