• પીએમ નરેન્દ્ર મોદીની સૂચનાઓ બાદ UPSCમાં લેટરલ એન્ટ્રીની જાહેરાત રદ કરાઈ
  • વિપક્ષ અને સરકારના ઘણા સહયોગિયો પક્ષોએ કર્યો હતો વિરોધ
  • રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહે લેટરલ એન્ટ્રી રદ કરવા UPSCના વડાને લખ્યો પત્ર

UPSCમાં લેટરલ એન્ટ્રી અને તેમાં અનામત ન આપવા સામે વિપક્ષની સાથે જ સરકારના ઘણા સહયોગિયો પક્ષના વિરોધ વચ્ચે સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર ભરતીની જાહેરાતને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર જાહેરાતને રદ કરવા માટે કહેવાયું

પીએમ નરેન્દ્ર મોદીની સૂચનાઓ બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને સીધી ભરતીની જાહેરાત રદ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી દળોએ સીધી ભરતીમાં લેટરલ એન્ટ્રી અને તેમાં અનામત ન આપવા સામે વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં સરકારના સાથી પક્ષો પણ તેની સામે આવ્યા હતા.

રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના વડાને લખ્યો પત્ર

રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના વડા પ્રીતિ સુદાનને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સેવામાં અનામતના સમર્થક છે. અમારી સરકાર સામાજિક ન્યાયને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે 17મી ઓગસ્ટે UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓની સમીક્ષા કરો અને તેને રદ કરો.

કેન્દ્રએ 2005માં પહેલીવાર ભલામણ કરી હતી

UPSCના અધ્યક્ષને લખેલા તેમના પત્રમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPA સરકાર દરમિયાન આવી નિમણૂકો પર લેવામાં આવેલી પહેલનો પણ ઉલ્લેખ કર્યો છે. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ 2005માં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં પહેલીવાર તેની ભલામણ કરી હતી. 2013માં પણ યુપીએ સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા જગ્યાઓ ભરવાની વાત કરી હતી. જીતેન્દ્ર સિંહે પોતાના પત્રમાં UIDAI અને વડાપ્રધાન કાર્યાલય (PMO)માં નિયુક્ત સુપર બ્યુરોક્રેસીનો પણ ઉલ્લેખ કર્યો છે.

મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી

હાલ મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે. UPSC દ્વારા 17મી ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે લેટરલ એન્ટ્રીમાં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે.

લેટરલ એન્ટ્રી શું છે?

લેટરલ એન્ટ્રીને સીધી ભરતી પણ કહેવામાં આવે છે. આમાં એવા લોકોને સરકારી સેવામાં લેવામાં આવે છે, જેઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ નિષ્ણાત હોય છે. આ IAS-PCS અથવા કોઈપણ સરકારી કેડરના નથી. આ લોકોના અનુભવના આધારે સરકાર તેમને પોતાની નોકરશાહીમાં તૈનાત કરે છે.


  • Follow us on: