બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય બતાવ્યો છે. પપ્પુ યાદવના અંગત સહાયક એટલે કે પીએએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએના જણાવ્યા અનુસાર સાંસદને વોટ્સએપ પર ધમકી આપવામાં આવી છે. તેણે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે.
હવે પોતાના છેલ્લા દિવસો ગણો...
ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને જણાવ્યું કે, તે લોરેન્સ ગેંગને ખતમ કરવાની વાત કરી રહ્યો હતો. હવે પોતાના છેલ્લા દિવસો ગણો. તેને મારવા માટે 6 લોકોને સોપારી આપવામાં આવી છે. જો કે, ધમકી આપનારાઓએ તે છ લોકોના નામ જાહેર કર્યા નથી. પોલીસે જણાવ્યું કે, સાંસદના પીએની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

પહેલી ધમકી 28 ઓક્ટોબરે મળી હતી
આ પહેલા 28 ઓક્ટોબરે પપ્પુ યાદવને પહેલીવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપી હતી. તેણે કોલ પર કહ્યું હતું કે, 'સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બન્ને કરીએ છીએ.'

ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.

શું છે સલમાન ખાનનું કનેક્શન?
12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં NCPના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ અંગે પપ્પુ યાદવે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લોરેન્સ ગેંગને 24 કલાકમાં ખતમ કરી દેવાની વાત કરી હતી. ત્યારબાદ તે બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને મળ્યો. જીશાન ધારાસભ્ય પણ છે. આ પછી પપ્પુ યાદવે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે, તે દરેક પરિસ્થિતિમાં સલમાન ખાનની સાથે છે.
પપ્પુ યાદવે ઝેડ કેટેગરીની સુરક્ષા માંગી હતી
પપ્પુ યાદવે 21 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમની સુરક્ષા વધારવાની માંગ કરી હતી. તેમણે સરકારને Y કેટેગરીની સુરક્ષા દૂર કરવા અને તેને Z કેટેગરીની સુરક્ષા સાથે બદલવા માટે કહ્યું હતું.
પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી
સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની પૂર્ણિયા પોલીસે ગયા શનિવારે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપી મહેશ પાંડેનો લોરેન્સ ગેંગ સાથે કોઈ સંબંધ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહેશ પાંડે દુબઈ ગયો હતો અને ત્યાં તેની સાલીનું સિમ લાવ્યો હતો. 28મી ઓક્ટોબરે પપ્પુ યાદવને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આરોપી દિલ્હી એઈમ્સ અને રક્ષા મંત્રાલયની કેન્ટીનમાં પણ કામ કરી ચૂક્યો છે.
Disclaimer: આ વોટ્સએપના સ્ક્રીનશોટ વાયરલ થયેલા છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.