ભોપાલમાં મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘર પર લોકાયુક્તના ચાલી રહેલા દરોડામાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીના દરોડામાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલના ઘર અને ઓફિસમાંથી 2 કરોડ 85 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 50 લાખની કિંમતના સોના, ચાંદી અને હીરાના દાગીના મળી આવ્યા છે.
કરોડોની સંપત્તિ મળી આવી
લોકાયુક્ત ડીએસપી રવિન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરેથી 60 કિલો ચાંદીના બિસ્કિટ મળી આવ્યા છે. લોકયુક્તને સૌરભના ઘરેથી 4 SUV પણ મળી છે, જેમાં ડિસ્કવરી જેવી લક્ઝરી કારનો પણ સમાવેશ થાય છે. લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર સૌરભના ઘર અને ઓફિસમાંથી કરોડોની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે.
કોન્સ્ટેબલના ઘરમાંથી શું મળ્યું ?
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે લોકાયુક્તને ઘરમાંથી નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. લોકાયુક્તને શંકા છે કે સૌરભ શર્મા કેટલાક હવાલા નેટવર્કનો ભાગીદાર પણ છે, તેથી અન્ય શહેરો અને દેશોમાં લિંક છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યની રાજધાની ભોપાલમાં, લોકાયુક્તે ગુરુવારે અરેરા કોલોનીમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન લોકાયુક્તની ટીમને સૌરભ ઘરે મળ્યો ન હતો.
લોકાયુક્તને મળી હતી ફરિયાદ
લોકાયુક્તને ફરિયાદ મળી હતી કે સૌરભ શર્મા આરટીઓ કોન્સ્ટેબલ હોવા છતાં તેમની આવક કરતાં વધુ કમાણી કરી હતી અને ઘણી મિલકતો બનાવી હતી. જેની કિંમત આજે કરોડોમાં છે. સૌરભે દોઢ વર્ષ પહેલા આરટીઓ કોન્સ્ટેબલની પોસ્ટ પરથી વીઆરએસ લીધું હતું અને ત્યાર બાદ બિલ્ડર બન્યો હતો.
લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર સૌરભ શર્માને તેના પિતાના મૃત્યુ પછી 2015માં દયાના આધારે RTOમાં નોકરી મળી હતી જ્યાં તેણે લગભગ 7 વર્ષ કામ કર્યું હતું. આ પછી સૌરભે નોકરીમાંથી વીઆરએસ લીધું અને બાંધકામના કામમાં લાગી ગયો.