- લોકસભાની ચૂંટણીને લઇને એક્શનમાં ચૂંટણી પંચ
- બીઆરએસ પ્રમુખ સામે ચૂંટણી પંચે ફટકારી નોટિસ
- અભદ્ર ટિપ્પણી બદલ કોંગ્રેસે કરી હતી ફરિયાદ
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ પ્રચારને લઇને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે તો બીજી તરફ ઇલેક્શન કમિશન આ મામલે કંઇ પણ અનુચિત બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખીને બેઠુ છે. ત્યારે બીઆરએસ પ્રમુખ કેસીઆરે ટિપ્પણી કરવી ભારે પડી છે.
કેસીઆરની વધી મુશ્કેલી
ચૂંટણી પંચે કેસીઆરને 5 એપ્રિલે સરસિલ્લામાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ જારી કરી છે. પંચે તેમને 18 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં ટિપ્પણી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. કોંગ્રેસ નેતા જી.નિરંજનની ફરિયાદ પર કાર્યવાહી કરતા પંચે કહ્યું કે કેસીઆરે 5 એપ્રિલે સરસિલ્લામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ટીકા કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
કોણે કરી કેસીઆર વિરુદ્ધ ફરિયાદ ?
ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે કેસીઆરને તેમના ભાષણ અંગે અગાઉ ઘણી સલાહ અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. પંચને 6 એપ્રિલના રોજ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજન તરફથી ફરિયાદ મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેસીઆરએ સરસિલામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર અભદ્ર, અપમાનજનક અને વાંધાજનક આરોપો લગાવ્યા હતા.
ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો મળી ?
મહત્વનું છે કે ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત સાથે 16 માર્ચથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ત્યારથી લીધેલા પગલાંની સૂચિબદ્ધ કરી છે. તેમણે કહ્યું છે કે અત્યાર સુધીની કુલ ફરિયાદોમાંથી 51 ભાજપ તરફથી મળી છે, જેમાંથી 38 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી 59 ફરિયાદો મળી હતી, જેમાંથી 51 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય પક્ષકારો તરફથી 90 ફરિયાદો મળી હતી જેમાંથી 80 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.