- સપા પ્રમુખ અખિલેશ યાદવે ભર્યુ ઉમેદવારી ફોર્મ
- એફિડેવિટ રજૂ કરીને સંપત્તિ કરી જાહેર
- 42 કરોડની સંપત્તિના માલિક છે અખિલેશ યાદવ
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નોજ બેઠક પરથી ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેમણે રજૂ કરેલા એફિડેવિટમાં સંપત્તિ વિશે જાહેરાત કરી હતી. ત્યારે આવો જાણીએ અખિલેશ યાદવ પાસે કેટલી છે સંપત્તિ.
અખિલેશ યાદવની કેટલી સંપત્તિ ?
સપા પ્રમુખ અખિલેશ યાદવની સંપત્તિ લગભગ 42 કરોડ રૂપિયા છે. તેમાંથી રૂ. 26.66 કરોડ જંગમ અને સ્થાવર મિલકતો છે. બાકીની મિલકત પત્ની ડિમ્પલ યાદવ પાસે છે. પૂર્વ સીએમ પાસે 25 લાખ 61 હજાર 804 રૂપિયા રોકડા છે. જ્યારે પત્ની ડિમ્પલ પાસે 5.72 લાખની રોકડ છે. પૂર્વ સીએમ પાસે તેમના પૈતૃક ગામ સૈફઈ અને લખનૌમાં કરોડોની સ્થાવર અને જંગમ મિલકત પણ છે.
પત્ની અને બેંક પાસેથી લોન લીધી
ચૂંટણી એફિડેવિટમાં અખિલેશ યાદવે માહિતી આપી છે કે તેમણે તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસેથી 54 લાખ રૂપિયાની લોન પણ લીધી છે. સાથે જ તેમણે બેંકમાંથી 74 લાખ રૂપિયાની લોન લીધી છે. આ ઉપરાંત તેમની પત્નીએ પણ 25 લાખની લોન લીધી છે.
વાર્ષિક કમાણી 84 લાખ રૂપિયા છે
ઉમેદવારી ફોર્મ ભરવા દરમિયાન અખિલેશ યાદવે એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની વાર્ષિક આવક 84 લાખ 51 હજાર રૂપિયા છે જ્યારે તેમની પત્નીની આવક 67.50 લાખ રૂપિયા છે. આ આવકનો સ્ત્રોત સાંસદો અને ધારાસભ્યોના પગાર અને ભથ્થા અને કૃષિ વ્યવસાયમાંથી આવે છે. અખિલેશ પાસે એક પણ કાર કે ઘરેણાં નથી. તેમજ તેમની પર કોઈ કેસ ચાલી રહ્યો નથી.
પત્ની પાસે 59લાખના દાગીના
અખિલેશને પુત્રીઓ અદિતિ, ટીના અને પુત્ર અર્જુન છે. તેમણે વર્ષ 1994-95માં મૈસુર યુનિવર્સિટીમાંથી BE, સિવિલ એન્વાયર્નમેન્ટ કર્યું છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે કોઈ દાગીના નથી જ્યારે પત્ની પાસે સોનાના દાગીના, હીરા અને મોતીના દાગીના છે. તેમની કિંમત અંદાજે 59 લાખ 76 હજાર 687 રૂપિયા છે. અખિલેશ યાદવ પાસે 76 હજાર રૂપિયાનો સેલ્યુલર ફોન છે.
હું કાર્યકરોની વિનંતી પર ચૂંટણી લડી રહ્યો છુંઃ અખિલેશ
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે કન્નૌજ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા સપાએ મૈનપુરીના પૂર્વ સાંસદ તેજ પ્રતાપ સિંહ યાદવને કન્નૌજ લોકસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા અખિલેશે કહ્યું કે કન્નૌજના તમામ સપા નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાની ઈચ્છા છે કે તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડે. આશા છે કે જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે.