• લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી ચાલુ
  • બીજેપીને 4 થી 5 રાજ્યોમાં પડ્યો ફટકો
  • ગત વર્ષ કરતા પણ ઓછી બેઠકો મળી રહી હોવાનું શરૂઆતી તારણ 

લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. ઉત્તર પ્રદેશ સહિત કેટલાક હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને આશ્ચર્યજનક રીતે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપને આ રાજ્યોમાંથી સૌથી વધુ અપેક્ષાઓ હતી પરંતુ પાર્ટીને સૌથી મોટો ફટકો પણ અહીંથી જ પડ્યો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ રાજ્યોમાં એકતરફી જીત મેળવી હતી. તેના કારણે જ તે કેન્દ્રમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી.

યુપીમાં શું છે સ્થિતિ ?

રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ભાજપ 34 બેઠકો પર, SP 36 પર, કોંગ્રેસ 7 પર, RLD 2 પર અને આઝાદ સમાજ પાર્ટી કાંશીરામ (ASPKR) 1 બેઠક પર આગળ છે. સમાજવાદી પાર્ટીએ હાલમાં આગેવાની લીધી છે. કુલ 543 સભ્યોની લોકસભામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 80 બેઠકો છે. દિલ્હીમાં સત્તાનો માર્ગ યુપીમાંથી પસાર થાય છે. 2019માં ભાજપને UPમાં 62 બેઠકો મળી હતી. જ્યારે સપા માત્ર પાંચ સીટો સુધી સીમિત રહી હતી.

પશ્ચિમ બંગાળમાં મોટો આંચકો

તો પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને આંચકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ 31 બેઠકો પર, ભાજપ 10 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. મહત્વનું છે કે છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો જીતી હતી. ભાજપને આશા હતી કે આ ચૂંટણીમાં પાર્ટીને 25થી વધુ બેઠકો મળશે.

હરિયાણામાં ઝટકો

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છેલ્લી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 10 બેઠકો જીતી હતી. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી છે. રાજ્યમાં મત ગણતરીના તાજેતરના આંકડાની વાત કરીએ તો, કોંગ્રેસ 5 બેઠકો પર, ભાજપ 4 પર અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે.

કર્ણાટકમાં ઝટકો

આ વખતે ભાજપને કર્ણાટકમાંથી ઘણી આશાઓ હતી પરંતુ અહીં પણ બીજેપીએ નુકસાન વેઠવાનો વારો આવ્યો. 2019ની ચૂંટણીમાં ભાજપે અહીં 28માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 17 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 9ની લીડ છે.


  • Follow us on: