- 4 જૂને ચૂંટણી પરિણામ
- સ્ટ્રોંગરૂમમાં મૂકેલા ઇવીએમના ખોલાશે સીલ
- મતગણતરી બાદ વિજેતાની કરાય છે જાહેરાત
4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે.ઇવીએમમાં 543 બેઠક પરના ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ખૂલશે. કોની સરકાર બનશે, કોને કેટલી સીટ મળશે તેની પરથી 4 જૂને પડદો ઉચકાશે. ત્યારે આવો જાણીએ કેવી રીતે થાય છે મતગણતરી.
પારદર્શિતા જાળવવી જરૂરી
મતદાન પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા મથકો અથવા રિટર્નિંગ ઓફિસરના હેડક્વાર્ટર પર બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને ઇવીએમ મૂકવામાં આવે છે. મતગણતરીના દિવસે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢવામાં આવે છે. પારદર્શિતા જાળવવા માટે આ મશીનોને ઉમેદવાર કે તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આલે છે. જે બાદ રિટર્નિંગ ઓફિસરની તરફથી નિયુક્ત કરવામાં આવેલા કાઉન્ટિંગ સુપર વાઇઝર્સ વોટની ગણતરી કરે છે.
EVM કાઉન્ટિંગ હોલ સુધી કેવી રીતે જાય છે?
સ્ટ્રોંગ રૂમથી મતગણતરી હોલ સુધી ઇવીએમ લઇ જવા માટેના પણ ધારાધોરણ હોય છે. જો મતગણતરી હોલ અને સ્ટ્રોંગ રૂમ વચ્ચે લાંબું અંતર હોય તો બંને વચ્ચે બેરિકેડિંગ હોવું જોઈએ, જેના વચ્ચેથી EVMને કાઉન્ટિંગ હોલમાં લઈ જવામાં આવશે. મતગણતરીના દિવસે વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમથી કાઉન્ટિંગ હોલ સુધી EVMની હિલચાલ રેકોર્ડ કરવામાં આવે છે. જેથી કોઈ ચેડાં ન થાય. સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલના સ્થાનને લઈને પણ ઘણા નિયમો છે.
કાઉન્ટિંગ સ્ટાફની પણ થાય છે નિમણૂંક
નિષ્પક્ષતા જાળવવા માટે, ત્રણ-સ્તરની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે. એ જ રીતે મતદાન માટે કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવે છે. મતગણતરી દરમિયાન તમામ પક્ષો અને અપક્ષોના ઉમેદવારો પોતપોતાના મતગણતરી એજન્ટો અને ચૂંટણી એજન્ટો સાથે કાઉન્ટિંગ હોલમાં હાજર હોય છે. મત ગણતરી માટે ગોઠવવામાં આવેલા ટેબલો અને કાઉન્ટિંગ એજન્ટો વચ્ચે અંતર જાળવવા માટે વચ્ચે અવરોધો મૂકવામાં આવે છે. આ અવરોધ વાંસની લાકડીઓના સ્વરૂપમાં હોઈ શકે છે અથવા અન્ય કોઈ પારદર્શક સામગ્રીથી બનેલી હોઈ શકે છે. જેથી મત ગણતરી દરમિયાન એજન્ટો મશીનોને સ્પર્શ ન કરી શકે અને સમગ્ર પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ રહે.
કોણ બેસી શકે કાઉન્ટિંગ ટેબલ પર
મતગણતરી દરમિયાન કાઉન્ટિંગ ટેબલ પર બેસવા માટે અધિકારીઓને ત્રણ સ્ટેજ પર રેન્ડમ રીતે સિલેક્ટ કરવામાં આવે છે. આર.ઓ. કાઉન્ટિંગ સ્ટાફની નિયુક્તિ કરે છે. કેટલાક સ્ટાફને રિઝર્વ રાખવામાં આવે છે. દરેક કાઉન્ટિંગ ટેબલ પર એક સુપરવાઈઝર રહે છે. અને એમાં જો ગેઝેટેડ ઓફિસર હોય તો વધુ સારું રહે છે. એક-એક ટેબલ પર એક-એક રિટર્નિંગ ઓફિસર બેસે છે અને એક પક્ષનો એજન્ટ એમ 3 લોકો બેસે છે.
પોસ્ટલ બેલેટની મતગણતરી પ્રથમ
જ્યારે નિર્ધારિત સમયે મત ગણતરી શરૂ થાય છે, ત્યારે સૌ પ્રથમ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ અને પોસ્ટલ બેલેટની ગણતરી સીધી આર.ઓ.ની દેખરેખ હેઠળ થાય છે. આ માટે અલગ ટેબલ ગોઠવવામાં આવે છે અને મદદનીશ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ તથા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયાના અડધા કલાક પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં પડેલા મતોની ગણતરી શરૂ કરી શકાશે. આ માટે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ હોય તે જરૂરી નથી. મત ગણતરી માટે માત્ર EVMના કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં બેલેટ એકમોની કોઈ ભૂમિકા નથી, તેથી તેઓ ટેબલ પર મૂકવામાં આવતા નથી.
કેવી રીતે થાય છે ગણતરી ?
મત ગણતરી દરમિયાન જ્યારે 14 ઈવીએમમાં પડેલા મતોની ગણતરી પૂર્ણ થાય છે, ત્યારે એક રાઉન્ડ અથવા એક ચક્રની ગણતરી પૂર્ણ માનવામાં આવે છે. દરેક રાઉન્ડનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવે છે. જ્યારે મત ગણતરી પૂર્ણ થાય ત્યારે રિટર્નિંગ ઓફિસર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 66ની જોગવાઇઓ અનુસાર પરિણામની જાહેરાત કરે છે જે બાદ રિટર્નિંગ ઓફિસર વિજેતા ઉમેદવારને જીતનું સર્ટીફિકેટ આપવામાં આવે છે.













