- રક્ષામંત્રી રાજનાથસિંહના ઘરે સાંજે મોટી બેઠક
- લોકસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ પદને લઇને ચર્ચા શક્ય
- લોકસભા સ્પીકરના નામને લઇને થઇ શકે ચર્ચા
કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. હવે સમગ્ર દેશની નજર લોકસભા સ્પીકર પર છે. ચોમેર ચર્ચા એજ થઇ રહી છે કે લોકસભાના સ્પીકર કોણ બનશે. ભાજપ લોકસભાનું સ્પીકર પદ પોતાની પાસે રાખશે કે પછી અન્ય પાર્ટીના ખાતામાં જશે. તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે જેડીયુ અને ટીડીપીએ સ્પીકર પદ માગ્યુ છે. આ પદ પર કોનું નામ નક્કી થશે તેને લઇને બેઠકોનો દોર શરૂ થઇ રહ્યો છે.
રાજનાથસિંહના ઘરે બેઠક
મળતી માહિતી મુજબ આજે સાંજે રાજનાથસિંહના ઘરે NDAની સાંજે 5 વાગે બેઠક મળવાની છે. જેમાં લોકસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ પદને લઇને ચર્ચા થઇ શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ બેઠકમાં રામ મોહન નાયડુ, ચિરાગ પાસવાન. જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે. રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને યોજાનારી પ્રધાનોના જૂથની બેઠકમાં સંસદ સત્ર દરમિયાન NDA ગઠબંધન ભાગીદારો વચ્ચે વધુ સારા સંકલનને સુનિશ્ચિત કરવા અને કેટલાક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
24 જૂનથી શરૂ થશે સંસદનું સત્ર
મહત્વનું છે કે રવિવારે પણ રાજનાથસિંહના ઘરે સંસદ સત્રને લઇને બેઠક થઇ હતી જેમાં જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ , લલનસિંહ અને ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા. મહત્વનું છે કે સંસદનું બજેટ સત્ર 24 જૂનથી શરૂ થઈ શકે છે. આ સાથે 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદનું 8 દિવસનું વિશેષ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલી શકે છે. સંસદના વિશેષ સત્રમાં 24 અને 25 જૂને નવા સાંસદો શપથ લઈ શકે છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાય તેવી શક્યતા છે.