વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી 4 મગરોને બચાવ્યા છે. શુક્રવારે આવકવેરા વિભાગની ટીમે આ ઘર પર દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન અધિકારીએ ઘરની અંદર એક તળાવ અને તેમાં મગરો જોયા. ઘરમાં મગર જોતાં વન વિભાગને મગરોની હાજરી વિશે જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગની ટીમે તમામ મગરોને પકડીને બચાવ્યા હતા. પહેલા જંગલમાં બિનવારસી કારમાંથી કરોડોનું સોનું અને હવે મગરો મળી આવતા તંત્ર તેમજ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. 


દરોડા દરમિયાન ઘર પરિસરમાં મગર જોવા મળ્યા 

મીડિયાના અહેવાલ મુજબ આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ ફોરેસ્ટ ફોર્સના વડા અસીમ શ્રીવાસ્તવે મગરની મળ્યાની પુષ્ટિ કરી હતી. રિપોર્ટ અનુસાર શુક્રવારે દરોડા દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ઘરના પરિસરમાં મગર જોયા હતા. છેલ્લા કેટલાક સમયથી આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશમાં ધામા નાખ્યા છે અને અલગ અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પડી રહ્યા છે. જેમાં કેટલાક દિવસો પહેલા જંગલમાંથી એક ઈનોવા કારમાંથી કરોડોનું સોનું મળી આવ્યું હતું.

વન વિભાગે કરી પુષ્ટિ 

એમપીમાં ફોરેસ્ટ ફોર્સના વડા અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓને આવકવેરા અધિકારીઓએ મગરોની હાજરી વિશે જાણ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મગરોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. અમે તેમના વિશે કોર્ટને જાણ કરીશું અને પછી તે મુજબ આગળ વધીશું. જો કે વન વિભાગના અધિકારીએ કેટલા મગરોને બચાવ્યા કે ઘરનો માલિક કોણ છે તે માહિતી જણાવી ન હતી. બચાવેલા મગરોને હેલ્થ ચેકઅપ પૂર્ણ થયા બાદ ખસેડવામાં આવશે. જો કે ઘરમાં મગર મળી આવવાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં તે અંગે ચર્ચા ચાલી રહી છે.

BJP પૂર્વ MLA ના ઘરમાંથી મળ્યા મગર

જ્યારે એક વરિષ્ઠ આઇટી અધિકારીએ જણાવ્યું હતું કે સાગરમાં બીડી ઉત્પાદક, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને પૂર્વ ભાજપ કાઉન્સિલર રાજેશ કેસરવાની સાથે જોડાયેલા પરિસરની શોધ કરવામાં આવી હતી, તેમણે મગર વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જે ઘરમાંથી મગરો મળી આવ્યા તે ઘર ભાજપના પૂર્વ ધારાસભ્ય હરવંશ સિંહ રાઠોડનું હોવાનું કહેવાય છે. સૂત્રોએ બચાવેલા મગરોની સંખ્યા ચાર ગણાવી છે.

હરવંશ સિંહ રાઠોડ તેના બિઝનેસ પાર્ટનર રાજેશ કેસરવાણી સાથે બિઝનેસ ચલાવતા હતા. આ દરોડા બીડીના ઉત્પાદનમાં કથિત મુદ્દાઓ સાથે સંબંધિત હતા જેમાં કેસરવાણી અને રાઠોડ ભાગીદાર છે. ભૂતપૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર પર આવકવેરાની મોટી રકમની ચોરી કરવાનો આરોપ છે. રાઠોડ મધ્યપ્રદેશની રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી હરનામ સિંહ રાઠોડના પુત્ર છે. હાલમાં, હરવંશ રાઠોડ સાગર જિલ્લામાં એક અગ્રેસરના નેતા છે.

  • Follow us on: