મધ્યપ્રદેશના સિહોરમાં મોટી દુર્ઘટના બની છે. બુધની તાલુકાના સિયાગેન ગામમાં નિર્માણાધીન પુલની દિવાલ ધરાશાયી થવાના કારણે 3 મજૂરોના મોત થયા છે, ત્યારે હજુ 6 કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.


બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ

આ ઘટના સોમવારે બપોરે બની છે, ગામમાં નદી પરનો આ પુલ રાજલક્ષ્મી દેવ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત સિહોરના બુધનીમાં થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે કેટલાક મજૂરો પુલની નીચે કામ કરી રહ્યા હતા. તેમની સંખ્યા અડધા ડઝનથી વધુ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આમાંથી ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. એક મજૂરને બહાર કાઢીને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ ટીમ બાકીના લોકોને શોધવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

રિટેનિંગ વોલનો સ્લેબ ધસી જવાને કારણે દુર્ઘટના બની

બુધનીના SDOPએ જણાવ્યું છે કે નદી પારના માંગરોલ ગામને જોડવા માટે સિયાગેન ગામમાં એક પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ કામ રાજલક્ષ્મી કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે કેટલાક મજૂરો પુલ નીચે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રોડની રીટેઈનીંગ વોલનો સ્લેબ ધસી પડ્યો, જેના કારણે પુલ નીચે કામ કરી રહેલા અડધો ડઝન મજૂરો દટાયા હતા. સ્થળ પર હાજર અન્ય મજૂરોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું અને પોલીસને આ અંગે જાણ કરી.

ત્રણ મજૂરોના મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ ત્રણ મજૂરોના મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ કરણ (18) અને રામકૃષ્ણ ઉર્ફે રામુ (32) નિવાસી ધનવાસ વિદિશા, ભગવાન લાલ નિવાસી બરખેડી ગુના તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી જીવિત બહાર આવેલા મજૂરને સ્થાનિક હોસ્પિટલમાંથી નર્મદાપુરમ રિફર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ત્રણ-ચાર કામદારો ફસાયા હોવાની દહેશતને પગલે ભારે સાવધાની સાથે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • Follow us on: