મધ્યપ્રદેશના વિદિશામાં આયોજિત લગ્ન સમારોહમાં સંગીત દરમિયાન ડાન્સ કરતી વખતે 24 વર્ષની યુવતીનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. વિદિશાના માધવગંજમાં રહેતા રાજકુમાર જૈનના પુત્ર અને તેમના ભાઈના પુત્રના લગ્ન મગધામ રિસોર્ટમાં એક સાથે યોજાઈ રહ્યા હતા. સંગીત દરમિયાન પરિવારના સભ્યો સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન ઈન્દોરના રહેવાસી વરરાજાના મામા સુરેન્દ્ર કુમાર જૈનની પુત્રી પરિણીતા જૈન પણ સ્ટેજ પર ડાન્સ કરવા આવી હતી, પરંતુ આ દરમિયાન તે અચાનક સ્ટેજ પર પડી ગઈ હતી.


મામાની દીકરીના અવસાન બાદ વરરાજાના પરિવારમાં ખુશીનો માહોલ એકાએક દુઃખમાં ફેરવાઈ ગયો 

ડાન્સ કરતી વખતે પરિણીતા અચાનક પડી ગઈ અને બેભાન થઈ ગઈ. પહેલા તો થોડીવાર સુધી લોકો કંઇ સમજી જ ન શક્યા કે શું થયુ જ્યારે થોડા સમય સુધી તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી તો ત્યાં હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ ચેકઅપ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.

પરિવારના સભ્યોએ સાદગીથી લગ્ન કર્યા

મામાની દીકરીના અવસાન બાદ વરરાજાના પરિવારમાં ખુશીનો માહોલ એકાએક દુઃખમાં ફેરવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ યુવતીના અંતિમ સંસ્કાર બેતવા નદી પાસેના સ્મશાન ભૂમિમાં કર્યા હતા અને ત્યારબાદ ખુબજ સાદગીથી વિવાહ કરી દેવાયા હતા.

સ્ટેજ પર ડાન્સ કરતી વખતે મોત, વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો માહોલ ખૂબ જ ખુશનુમા હતો. રંગબેરંગી લાઈટોથી સજાવેલા સ્ટેજ પર યુવતી ખુશીથી નાચી રહી હતી, પરંતુ અચાનક તે જમીન પર પડી ગઈ. પહેલા લોકોએ વિચાર્યું કે તે કદાચ મજાક કરી રહી છે, પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી જાગી ન હતી, ત્યારે ગભરાટ ફેલાયો હતો. હાજર લોકોએ તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પ્રાથમિક તપાસમાં યુવતીના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.

નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ, ચિંતા વધી

યુવતીની તબિયત પહેલાથી જ સારી હોવાનું કહેવાય છે, અને તેને કોઈ ગંભીર બીમારી નહોતી. આ ઘટનાએ યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓની ફરી ચર્ચા જગાવી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં યુવાનોમાં હૃદય સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે અચાનક હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે તેની પાછળ તણાવ, ખાનપાન અને જીવનશૈલી મુખ્ય કારણો હોઈ શકે છે. આ ઘટના માત્ર લગ્ન સમારોહમાં હાજર રહેલા લોકો માટે જ દુખદાયી નથી, પરંતુ સમાજ માટે પણ એક ચિંતાજનક સંદેશો છોડી ગયો છે કે યુવાનોમાં હૃદયરોગ અંગે વધુ સાવધ રહેવાની જરૂર છે.

  • Follow us on: