દેવાધિદેવ મહાદેવનું એ મંદિર કે જ્યાં એકવાર તો અવશ્ય દરેક ભક્ત ત્યાં જવાની ઇચ્છા ધરાવે છે. આ મંદિર એટલે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલુ મહાકાલનું મંદિર. આ મંદિરમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ નોંધાય છે તેની સાથે રેકોર્ડ બ્રેક દાન પણ પ્રાપ્ત થાય છે. ત્યારે હવે વર્ષ 2024 પૂર્ણતાને આરે છે. ત્યારે આવો જાણીએ મહાકાલ મંદિરમાં વર્ષ 2024માં કેટલું દાન આવ્યું.


દિલખોલીને ભક્તોએ કર્યુ દાન 

આ વર્ષે ભક્તોએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દિલખોલીને દાન આપ્યું છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં મહાકાલ મંદિર પ્રબંધન સમિતિને 1 અબજ 65 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. જ્યારે વર્ષ પૂરું થવામાં હજુ 15 દિવસ બાકી છે. વર્ષના અંતિમ દિવસોમાં મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા બમણી થઈ જાય છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં મંદિર સમિતિની આવકમાં વધારો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કેટલી રોકડ અને કેટલું સોનુ-ચાંદી ?

ઉજ્જૈનમાં મહાકાલ લોકનું બન્યા બાદ અહીં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2024માં જે દાન મળ્યુ તેમાં ચાર કિલો ચાંદી અને લગભગ 1300 ગ્રામ સોનું મળી આવ્યું છે. રોકડ રકમની વાત કરીએ તો દાન પેટીઓમાંથી રૂ. 49 કરોડ જ્યારે અભિષેક પૂજામાંથી રૂ. 12.5 કરોડ મળ્યા છે.

આ ઉપરાંત મંદિર સમિતિની ધર્મશાળામાંથી રૂ. 5.5 કરોડ, ભસ્મ આરતીના બુકિંગમાંથી રૂ. 90 લાખ, ફોટોગ્રાફીની માસિક ફીમાંથી રૂ. 7.5 લાખ, ભાંગ અને ધ્વજ બુકિંગમાંથી રૂ. 7 લાખ 92 હજાર, ઉજ્જૈન દર્શન બસ સેવામાંથી રૂ. 7 લાખ અને રૂ. લાખ અન્ય વસ્તુઓમાંથી 24 કરોડની આવક થવા પામી છે. છેલ્લા ગત વર્ષમાં તો મહાકાલ મંદિરને 400 કિલો ચાંદી અને દોઢ કિલો સોનું પણ દાનમાં આપવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

તો દાનની આ રકમનું શું કરાશે ?

શ્રી મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર નીરજ સિંહે જણાવ્યું કે અત્યાર સુધીમાં વિવિધ માધ્યમો દ્વારા લગભગ 165 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેમાં લાડુનો પ્રસાદ પણ સામેલ છે. આ રકમનો ઉપયોગ અહીં આવતા શ્રદ્ધાળુઓને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ પૈસાનો કેટલોક હિસ્સો મંદિરમાં ભક્તોના નિવાસને વિકસાવવા માટે વાપરવામાં આવશે. મંદિર સમિતિના અધ્યક્ષ કહે છે કે અમારી પાસે ગયા વર્ષનું બજેટ છે. અમે તેમાં જે વ્યવસ્થા કરી છે અને ખર્ચ કર્યા બાદ જે રકમ બચશે તે મંદિરના નિર્માણ અને પાયાની સુવિધાઓમાં લગાવવામાં આવશે.

  • Follow us on: