• મહારાષ્ટ્ર વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નાણામંત્રીએ વર્ષ-2024-25 માટે બજેટ રજૂ કર્યું
  • બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાની જાહેરાત
  • આ વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા બજેટ ઘણું મહત્ત્વનું મનાઈ રહ્યું છે

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારે રાજ્યના બજેટમાં મહિલાઓને દર મહિને 1500 રૂપિયા અને વર્ષમાં ત્રણ સિલિન્ડર સહિત ખેડૂતો માટે લોન રાહતની જાહેરાત કરી હતી. બજેટ રજૂ કરતી વખતે, અજિત પવારે 21 થી 60 વર્ષની વય જૂથની લાયક મહિલાઓને 1,500 રૂપિયાનું માસિક ભથ્થું આપવા માટે નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી હતી. અજિત પવારે કહ્યું કે “મુખ્યમંત્રી મારી લડકી બેહન યોજના” નામની યોજના રાજ્યમાં ઓક્ટોબરની ચૂંટણીના ચાર મહિના પહેલા જુલાઈથી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક બજેટમાં રૂ. 46,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.

બીજી કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતાં નાણાં પ્રધાને કહ્યું કે પાંચ સભ્યોના પાત્ર પરિવારને ‘મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના’ હેઠળ દર વર્ષે ત્રણ મફત એલપીજી સિલિન્ડર મળશે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અજિત પવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજળી બિલના લેણાં માફ કરવામાં આવશે. પવારે કહ્યું કે પાકના નુકસાન માટે વળતર તરીકે ચૂકવવાપાત્ર મહત્તમ રકમ અગાઉ રૂ. 25,000 હતી અને હવે તેને વધારીને રૂ. 50,000 કરવામાં આવી રહી છે.

ડુંગળી ઉત્પાદકો માટે સબસિડી

ડુંગળી ઉત્પાદક ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે 850 કરોડ રૂપિયાથી વધુની સબસિડી પ્રતિ ક્વિન્ટલ 350 રૂપિયાના રૂપમાં આપવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગેરેન્ટેડ ભાવે ડુંગળી અને કપાસની ખરીદી માટે 200-200 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બનાવવામાં આવી રહ્યું છે.

ખેડૂતો માટે યોજનાઓ

તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. બિયારણ માટે સબસિડી, સિંચાઈની સુવિધા, ટેકનોલોજીનો ઉપયોગ, ખેત પેદાશોના સંગ્રહ વગેરે અંગે વિવિધ યોજનાઓ અમલમાં છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ-2023-24થી ખેડૂતોને મદદ કરવા માટે નમો શેતકરી મહાસમ્માન નિધિ, એક રૂપિયામાં પાક વીમો જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિદર્ભ અને મરાઠવાડાના 16 જિલ્લાઓમાં યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 6 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સનો બીજો તબક્કો 21 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.

મોત પર વળતરની જાહેરાત

ડેપ્યુટી સીએમે જણાવ્યું કે રાજ્ય સરકારે જનાવર હુમલાથી થતા મોત માટે વળતરમાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન બજેટ રજૂ કરતા તેમને જણાવ્યું કે મૃતકના પરિવારજનોને પહેલા 20 લાખ રૂપિયા અપાતા હવે પાંચ લાખ વધારો કરવાથી કુલ 25 લાખ રૂપિયાનું વળતર મળશે.

ખેડૂતો માટે બોનસ

અજિત પવારે જણાવ્યું કે અમે મહારાષ્ટ્રમાં કપાસ અને સોયાબીનના પાક માટે તમામ ખેડૂતોને પાંચ હજાર રૂપિયા પ્રતિ હેકટરનું બોનસ આપવાની યોજના બનાવી રહ્યા છીએ. આ ઉપરાંત અમે પહેલી જુલાઈ પછી પણ દૂધ ઉત્પાદક ખેડૂતોને પાંચ રૂપિયા પ્રતિ લિટરનું બોનસ આપવાનું ચાલુ રાખીશું.

વિદ્યાર્થિનીઓને મદદ

અન્ય પછાત વર્ગ અને આર્થિક રૂપથી નબળા વર્ગની બે લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રાજ્ય સરકારથી નાણા મદદ અપાશે. ડેપ્યુટી સીએમે જણાવ્યું કે રાજ્ય સરકાર દર વર્ષે બે હજાર કરોડ રૂપિયોનો ભાર વહન કરશે.

 

  • Follow us on: