મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકીય પક્ષો દ્વારા પણ સતત વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ જૂથના નેતા અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે શિવસેના (શિંદે જૂથ)ની નેતા શાઈના એનસીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જે અંગે શાઇના એનસીએ ગુનો દાખલ કર્યો છે.
શાઇના એનસીએ નોંધાવી ફરિયાદ
મુંબઈની મુંબાદેવી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર શાઈના એનસીએ શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે. સાવંતે શિવસેનાના ઉમેદવાર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. શાઈના એનસીએ કહ્યું કે હું એક મહિલા છું. આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઇએ. ઉદ્ધવ ઠાકરે ચૂપ છે, નાના પટોલે ચૂપ છે પણ મુંબઈની મહિલાઓ ચૂપ નહીં રહે.
કાયદો તેનું કામ કરશે- શાઇના એનસી
મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કર્યા પછી શાઈના એનસીએ કહ્યું કે સેક્શન 79, કલમ 356 (2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેઓએ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો. હું અહીં સક્રિય રીતે કામ કરવા માટે આવી છું. મારા કામ અંગે ચર્ચા કરવી હોય તો કરે પરંતુ સ્ત્રીને લઇને આવા ખોટા શબ્દો ન બોલ. કાયદાને તેનું કામ કરવા દો. મારે જે કરવુ હતુ મે કર્યુ.
મહાવિનાશ આઘાડી મહિલાઓનું સન્માન કરતી નથી
આ સાથે તેમણે જણાવ્યું હતું. "આપણે બધા જાણીએ છીએ કે આ મહાવિનાશ અઘાડી મહિલાઓનું સન્માન કરતી નથી. આપણે બધા લક્ષ્મી પૂજનની વાત કરીએ છીએ. તે લક્ષ્મી પૂજનનો દિવસ છે. તે એક શુભ પ્રસંગ છે. 20 વર્ષથી હું સાર્વજનિક જીવનમાં છું. બધા જાણે છે કે મે નિષ્ઠા પૂર્વક કામ કર્યુ છે. માતા મુંબાદેવીના આશીર્વાદ છે. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ભાષા સામે કાયદો પોતાનું કામ જરૂર કરશે.
'તમને લાગે છે કે દરેક સ્ત્રી ચૂપ રહેશે'
શિવસેનાના નેતાએ કહ્યું કે એક વાત સમજવાની જરૂર છે કે જ્યારે તમે કોઈ મહિલા વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરો છો, ત્યારે શું તમને લાગે છે કે દરેક મહિલા ચૂપ રહેશે? મહારાષ્ટ્રની મહિલા જડબાતોડ જવાબ આપશે. એક તરફ અમારા સીએમ એકનાથ શિંદે છે. જેમણે વહાલી બહેનો માટે આટલું બધું કર્યું છે." શાઇના એનસીએ પણ કહ્યું હતું કે, "હું એટલું જ કહીશ કે હું મુંબઈની દીકરી છું."