મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને અજીત પવારની પાર્ટી એનસીપી (રાકાંપા)એ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાબા સિદ્દીકીના પુત્ર જિશાન સિદ્દીકીને ઉમેદવાર જાહેર કરાયા છે. આ ઉપરાંત એનસીપીએ પોતાના ઉમેદવાર તરીકે ઈસ્લામપુરથી નિશિકાંત પાટીલ અને અનુશક્તિ નગરથી સના મલિકને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે સના મલિક કલંકિત NCP નેતા નવાબ મલિકની પુત્રી છે.


અજિત પવારના નેતૃત્વ વાળીમાં એનસીપીમાં છે જોડાયા

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં જોડાઈ ગયા છે. જીશાન સિદ્દીકી હાલમાં બાંદ્રા પૂર્વ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને એનસીપીની ટિકિટ પર આ ચૂંટણી લડી રહ્યા છે. મહા વિકાસ આઘાડીના સભ્ય શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ બાંદ્રા પૂર્વથી વરુણ દેસાઈને ટિકિટ આપી છે.

બાંદ્રા ઇસ્ટથી આપી ટિકિટ

અજિત પવારે જીશાનને પોતાની સીટ બાંદ્રા ઈસ્ટથી ટિકિટ આપી. આ ઉપરાંત ઇસ્લામપુરથી નિશિકાંત પાટીલ, તાસગાંવ-કવથે મહાકાલથી સંજયકાકા રામચંદ્ર પાટીલ, અનુશક્તિ નગરથી સના મલિક, વડગાંવ શેરીથી સુનીલ ટિંગ્રે, શિરૂરથી જ્ઞાનેશ્વર (મૌલી) કટકે અને લોહાથી પ્રતાપ પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

બાબા સિદ્દીકીના પુત્ર

મહત્વનું છે કે જિશાન સિદ્દીકી એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર છે. તેઓ મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમના પિતા બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે શૂટર્સ અને એક હથિયાર સપ્લાયરનો સમાવેશ થાય છે. 

  • Follow us on: