શિવસેના શિંદે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં શિવસેનાના 13 અને સહયોગી પક્ષોના 2 ઉમેદવારો છે. આ યાદીમાં શિંદે સેના જૂથમાંથી ભાજપની શાયના એનસી મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શિંદે સેનાને 1 કે 2 વધુ બેઠકો મળી શકે છે. ભાજપ સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
રવિવારે શિવસેના શિંદે જૂથે 20 ઉમેદવારના નામ કર્યા હતા જાહેર
રવિવારે એકનાથ શિંદેની શિવસેનાએ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં સંજય નિરુપમને દિંડોશીથી અને મિલિંદ દેવરાને વરલીથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, મિલિંદ દેવરા વરલીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે મેદાનમાં છે.
અંધેરી પૂર્વ બેઠક પરથી ભાજપના પૂર્વ નેતા મુરજી પટેલને મેદાનમાં
અંધેરી પૂર્વ બેઠક પરથી ભાજપના પૂર્વ નેતા મુરજી પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સીટ પહેલેથી જ સમાચારોમાં હતી કારણ કે શિંદેએ અગાઉ ભૂતપૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત અને એન્ટિલિયા કેસના આરોપી પ્રદીપ શર્માની પત્નીને અહીંથી ઉતારવાની યોજના બનાવી હતી. જો કે, ભાજપે આનો જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ પ્લાન બદલવો પડ્યો હતો.
મિલિંદ દેવરા આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે
મિલિંદ દેવરાને તાજેતરમાં શિવસેના દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે તેઓ વરલી સીટ પર આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે. વરલી જે મરાઠી મધ્યમ વર્ગ, માછીમાર સમુદાય અને ધનિક વર્ગનો વિસ્તાર છે, એવું માનવામાં આવે છે કે મિલિંદ દેવરા થોડી છાપ છોડી શકે છે. પોતાના નામની જાહેરાત કરતા પહેલા દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું હતું કે, તેમનું ધ્યાન વરલીકર માટે પેન્ડિંગ ન્યાય પૂર્ણ કરવા પર છે.
આદિત્ય ઠાકરેએ કર્યા પ્રહાર
વરલીના વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મહાયુતિને છેલ્લા પાંચ વર્ષમાં તેમની સામે એક પણ ઉમેદવાર મળી શક્યો નથી. જો કે, આદિત્યએ ટોણો માર્યો હતો કે, ઘણા ઉમેદવારો ફક્ત પોતાના પ્રચાર માટે જ મેદાનમાં હશે. આ ઉપરાંત નજીકના માહિમ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય સદા સરવંકરે દાવો કર્યો હતો કે લોકો શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના વૈચારિક વારસાને આગળ વધારનારાઓને મત આપશે. આ દરમિયાન આદિત્ય ઠાકરેના સહયોગી અને બાંદ્રા પૂર્વ મતવિસ્તારના ઉમેદવાર વરુણ સરદેસાઈએ કહ્યું કે, અમે ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવા માટે આ ચૂંટણી લડી રહ્યા છીએ.
એકનાથ શિંદે સહિત રાજ્યના ઘણા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સોમવારે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોપરી-પચપાખાડી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ સીટ થાણે જિલ્લામાં આવે છે. નોમિનેશન વખતે પુત્ર રિત્વિક અને પરિવારના સભ્યો હાજર હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ઘરે પૂર્જા અર્ચના કરી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદે આ બેઠક પરથી જીત્યા હતા. અગાઉ 2014ની ચૂંટણીમાં પણ એકનાથ શિંદે શિવસેનાની ટિકિટ પર 100,420 મતોથી જીત્યા હતા. આ બેઠક પરથી શિવસેના (UBT)એ થાણેના અગ્રણી નેતા સ્વર્ગસ્થ આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને મેદાનમાં ઉતાર્યા છે.
અત્યાર સુધીમાં કોણે અને કેટલા ઉમેદવારો જાહેર કર્યા?
મહાવિકાસ આઘાડી
શિવસેના UBT = 65+15+4= 84
કોંગ્રેસ = 48+23+ 16+12 = 99
રાષ્ટ્રવાદી એસપી = 45+22 +9+ 6= 82
કુલ = 265
બાકીની બેઠકો = 23
મહાગઠબંધન
ભાજપ = 99+22+25 = 146
શિવસેના = 45+20 +13= 78
NCP = 38+7 +4= 49
સહયોગી - 6
કુલ = 279
બાકી સીટો = 9













