મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવાર સોમવારે બારામતી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ રેલીને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના કાકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (જે હવે શરદ જૂથ અને અજિત જૂથમાં વહેંચાયેલું છે)ના સંરક્ષક શરદ પવાર પર પરિવારમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. અજિત પવારે કહ્યું કે, શરદ પવારે પણ બારામતીમાં તેમની સામે ઉમેદવાર ઉતાર્યા છે.
અજિત પવારે બારામતી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
અજિત પવારે કહ્યું કે, 'પહેલા મેં ભૂલ કરી (લોકસભા ચૂંટણીમાં તેમની પત્ની સુનેત્રાને સુપ્રિયા સુલે સામે મેદાનમાં ઉતારીને) અને તે સ્વીકારી પણ લીધું. પરંતુ હવે એવું લાગે છે કે અન્ય લોકો પણ ભૂલો કરી રહ્યા છે. હું અને મારો પરિવાર અગાઉ બારામતીમાં ફોર્મ ભરવા માટે સંમત થયા હતા, પરંતુ તેમ થયું નહીં. પડકારો હોવા છતાં અમે પરિસ્થિતિ સુધારવામાં સફળ રહ્યા. મારી માતાએ ખૂબ જ ટેકો આપ્યો છે અને સલાહ પણ આપી છે કે તેઓએ (શરદ જૂથ) અજિત પવાર સામે તેમના ઉમેદવાર ઊભા ન કરવા જોઈએ. જો કે, મને કહેવામાં આવ્યું હતું કે, સાહેબ (શરદ પવાર)એ કોઈને મારી વિરુદ્ધ નોમિનેશન દાખલ કરવાની સૂચના આપી હતી.
સાહેબે પરિવારમાં ભાગલા પાડ્યાઃ અજિત પવાર
અજિત પવાર સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા અને પછી પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું કે, 'સાહેબે પરિવારમાં ભાગલા પાડ્યા. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે રાજકારણને આટલા નીચા સ્તરે ન લાવવું જોઈએ, કારણ કે પરિવારને જોડવામાં પેઢીઓ લાગે છે અને પરિવારને તોડવામાં એક ક્ષણ પણ લાગતી નથી. ગત વખતે (લોકસભા ચૂંટણી) આપણા મતદારો ભાવુક થયા હતા. આ સમયે ભાવુક ન થાઓ. કારણ કે લાગણીશીલ બનીને સમસ્યાઓ ઉકેલાતી નથી. વિકાસ દ્વારા સમસ્યાઓ હલ થાય છે. બારામતીના લોકોએ તાઈ (સુપ્રિયા સુલે)ને લોકસભામાં ચૂંટ્યા તેથી હવે દાદાને ધારાસભ્ય તરીકે ચૂંટવા જોઈએ. તમને જણાવી દઈએ કે NCP (SP)એ બારામતીથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવારના દાદા શરદ પવારનું સ્થાન લેશે.
મને ખાતરી છે કે બારામતીના લોકો મને સાથ આપશેઃ અજીત પવાર
યુગેન્દ્ર, અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર છે. તેઓ શરદ પવાર દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાનના ખજાનચી અને બારામતી તાલુકા કુસ્તીગીર પરિષદના વડા પણ છે. તેણે ગયા સપ્ટેમ્બરમાં બારામતીથી શરદ જૂથ NCPની સ્વાભિમાન યાત્રાનું નેતૃત્વ કર્યું હતું અને તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન તેની કાકી અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે માટે પ્રચાર કર્યો હતો. એનસીપીના વડા અજિત પવારે તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર સામે બારામતીમાં ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન સરકારની કોઈપણ ચાલુ યોજનાને રોકવામાં આવશે નહીં કારણ કે તે લોકોના હિત માટે છે.
અમે કામ કરતા લોકો છીએ, પણ તેઓ એવા નથી: અજીત પવાર
તેમણે કહ્યું કે, 'મહાયુતિ ફરી સત્તામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે આ સરકાર 23મી નવેમ્બરની બપોર સુધીમાં સત્તામાં પરત ફરશે. કારણ કે અમારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાના છે. લડકી બહેના યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. જો તેઓ (વિપક્ષ) સત્તામાં આવશે તો તેને બંધ કરી દેશે. અમે કામ કરતા લોકો છીએ, પણ તેઓ એવા નથી. હું લોકશાહી પર કંઈ કહેવા માંગતો નથી, દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. મને ખાતરી છે કે, બારામતીના લોકો મને મોટી સંખ્યામાં મત આપશે. આજે રોડ શો દરમિયાન મેં મારા પ્રત્યે લોકોનો જોશ અને ઉત્સાહ જોયો. હું તમને બધાને કહેવા માંગુ છું કે, મતદાનના દિવસ સુધી આ ઉત્સાહ જાળવી રાખો.













