મંત્રી પદ ન મળવાથી નારાજ ભંડારાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે શિવસેનાના ઉપનેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ચૂંટણી દરમિયાન એકનાથ શિંદેએ નરેન્દ્ર ભોંડેકરને મંત્રી પદ આપવાનું વચન આપ્યું હતું. આજે નાગપુરમાં મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ થઇ રહ્યું છે.


મહારાષ્ટ્ર કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ ટૂંક સમયમાં નાગપુરમાં શરૂ થવા જઈ રહ્યો છે. નાગપુરના રાજભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણમાં ભાજપના 20, શિવસેનાના 11 અને NCPના 9 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેવાના છે. તમને જણાવી દઈએ કે શિવસેનાના જે નેતાઓને તક મળી છે તેમાં ગત ટર્મના પાંચ મંત્રીઓ પણ છે.

શિવસેનાએ આ નેતાઓને તક આપી 

શિવસેનાએ ઉદય સામંત (કોકન), શંભુરાજે દેસાઈ (પશ્ચિમ મહારાષ્ટ્ર), ગુલાબરાવ પાટીલ (ઉત્તર મહારાષ્ટ્ર), દાદા ભુસે (ઉત્તર મહારાષ્ટ્ર), સંજય રાઠોડ (વિદર્ભ) અને યોગેશ કદમને તક આપી છે. આ તમામને પાર્ટી નેતૃત્વ તરફથી ફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. જોકે એવી માહિતી છે કે શિવસેના જૂથના નેતા માત્ર અઢી વર્ષ માટે જ મંત્રી પદ સંભાળશે.

નરેન્દ્ર ભોંડેકર કોણ છે?

નરેન્દ્ર ભોંડેકર 2009માં અવિભાજિત શિવસેના તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં આ બેઠક પરથી ભાજપના રામચંદ્ર અવસરે ચૂંટાયા હતા. 2019 માં નરેન્દ્ર ભોંડેકરે અપક્ષ તરીકે ચૂંટણી જીતી અને ભાજપના અરવિંદ મનોહરને હરાવ્યા. જો કે, જ્યારે 2022 માં શિવસેનાનું વિભાજન થયું ત્યારે નરેન્દ્ર ભોંડેકર એકનાથ શિંદે જૂથમાં જોડાયા. 2024 માં નરેન્દ્ર ભોંડેકરે ફરી એકવાર ભંડારાથી ચૂંટણી લડી અને 127,884 મતો મેળવીને કોંગ્રેસના પૂજા ગણેશ થાવકરને હરાવ્યા. તેમના ટ્વિટર બાયો મુજબ, તેઓ હિન્દુ બહુજન મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.


  • Follow us on: