મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધન ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે. જો કે હજી મતગણતરી ચાલી રહી છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિ વિશે વાત કરીએ તો મહાયુતિ 225 અને કોંગ્રેસ 53 જ્યારે અન્ય 10 બેઠકો મેળવી હોવાની ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી માહિતી મળી રહી છે. ત્યારે સ્પષ્ટ બહુમતી બીજેપીજી જોવા મળી રહી છે કારણ કે એકલા બીજેપીએ જ 131 બેઠકો પર લીડ મેળવી રહી છે. ત્યારે હવે ચર્ચાઓનો દોર એ શરૂ થયો છે કે મુખ્યમંત્રી કોણ બનશે.
અજિત પવાર અને અમિત શાહની મળી બેઠક
મહાયુતિને મળી રહેલી ભારે બહુમતી વચ્ચે હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. મતગણતરી દરમિયાન અજિત પવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે 25 મિનિટ સુધી વાત કરી હતી. આ વાતચીત પહેલા અજિત પવારની પત્ની અને એનસીપી સાંસદ સુનેત્રા પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. સુનેત્રાએ કહ્યું હતું કે NCP, મહારાષ્ટ્ર અને બારામતીના લોકો માટે આ ભાગ્યશાળી દિવસ છે. હું એ જ ઈચ્છું છું જે મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે અજિત પવાર રાજ્યના મુખ્યમંત્રી બને.
સીએમ કોણ બનશે તે નક્કી નહી- એકનાથ શિંદે
તો ચૂંટણીના પરિણામોમાં બીજેપી ગઠબંધનને બહુમત મળતી દેખાતા એકનાથ શિંદેની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. ત્યારે એકનાથ શિંદેને સીએમ કોણ હશે તે વિશે સવાલ કરાતા તેમણે કહ્યું કે જેની પાસે વધુ સીટો હશે તે જ મુખ્યમંત્રી બનશે તેવી કોઇ બાબત નક્કી થઇ નથી. અંતિમ આંકડા આવ્યા બાદ તમામ પક્ષો બેસીને વાતચીત કરશે, ત્યારબાદ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે.
મહાયુતિની જંગી જીત જેવુ પરિણામ- નરેશ મ્હસ્કે
એકનાથ શિંદે પહેલા શિવસેના સાંસદ નરેશ મ્સ્કેનું નિવેદન સામે આવ્યું હતું. મ્હસ્કેએ એકનાથ શિંદેને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. મ્હસ્કેએ કહ્યું કે મહારાષ્ટ્રના પરિણામો મહાયુતિ માટે જંગી જીત જેવા છે. તેથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. શિવસેનાનો કાર્યકર હોવાના કારણે હું ઇચ્છું છું કે એકનાથ શિંદે ફરી એકવાર મહારાષ્ટ્રની બાગડોર સંભાળે.
મારી દીકરો સીએમ બનશે- દેવેન્દ્ર ફડણવીસના માતા
દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું કે ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો.
પક્ષના નેતાઓ નક્કી કરશે- ફડણવીસ
મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે આ સવાલ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રીના ચહેરા પર કોઈ વિવાદ નહીં હોય. પહેલા દિવસથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ચૂંટણી પછી ત્રણેય પક્ષોના નેતાઓ એકસાથે બેસશે અને આ અંગે નિર્ણય લેવો દરેકને સ્વીકાર્ય હશે, આ અંગે કોઈ વિવાદ નથી.