- કેશ ફોર ક્વેરીનો મામલો
- મહુઆ મોઇત્રાએ આપી પ્રતિક્રિયા
- સીબીઆઇની રેડને ગણાવી ગેરકાયદેસર
કેશ ફોર ક્વેરી મામલે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ટીએમસીના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાએ સીબીઆઇ દરોડાને લઇને પ્રતિક્રિયા આપી છે. તેમણે આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે ચૂંટણી પંચમાં પત્ર લખીને ફરિયાદ કરી છે.
ચૂંટણી પંચને શુ લખ્યો પત્ર ?
ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે સીબીઆઈએ તેમના ચાર સ્થળો પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા છે. આ તેમને હેરાન કરવા અને તેમના ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભો કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા અને યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરી છે.
8 ડિસેમ્બરે સાંસદ પદ છીનવાયુ
મહત્વનું છે કે FIR બાદ CBIએ રવિવારે અલીપુર સહિત મહુઆ મોઇત્રાના સંસદીય ક્ષેત્ર કૃષ્ણનગરમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી હતી. CBIએ શનિવારે (23 માર્ચ) TMC નેતા મહુઆ મોઇત્રાના કોલકાતાના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે સંસદમાં રૂપિયા લઇને પ્રશ્નો પૂછવાના આરોપમાં(કેશ ફોર ક્વેરી) તેના ઘરની તલાશી કરી રહી છે. આ કિસ્સામાં મહુઆનું 8 ડિસેમ્બર 2023ના રોજ સાંસદપદ છીનવાયું હતું
લોકપાલના આદેશથી સીબીઆઇએ પાડ્યા દરોડા
19 માર્ચે લોકપાલે CBIને કેશ ફોર ક્વેરી કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 6 મહિનામાં કેસ રિપોર્ટ દાખલ કરો અને દર મહિને સ્ટેટસ રિપોર્ટ સબ્મિટ કરો એવું પણ કહેવામાં આવ્યું હતું.લોકપાલના આદેશ બાદ CBIએ 21 માર્ચે મહુઆ વિરુદ્ધ FIR નોંધી હતી. મહુઆએ 2016માં પહેલી ચૂંટણી પશ્ચિમ બંગાળના કરીમનગર વિધાનસભાથી જીતી હતી. 2019માં તેમણે ટીએમસીની ટિકિટ પર કૃષ્ણનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા.