• આર્મી કેમ્પ હુમલાનો માસ્ટરમાઇન્ડ મળી આવ્યો મૃત
  • પીઓકેમાં તેના ઘરમાં જ મળી આવ્યો મૃત અવસ્થામાં
  • જમ્મુ કાશ્મીરમાં 2018માં થયેલા હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ

મળતી માહિતી મુજબ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. મળતા રિપોર્ટ્સ મુજબ ખ્વાજા શાહિદનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવ્યો છે. ખ્વાજા શાહિદનું થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું.

મૃતક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો

મૃત હાલતમાં મળી આવેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો . તે 2018માં જમ્મુના સુંજવાનમાં આર્મી કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં આતંકીઓએ આર્મી કેમ્પ પર AK-47 રાઈફલ અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 6 જવાન શહીદ થયા હતા. ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નીલમ ખીણનો રહેવાસી હતો. ખ્વાજા શાહિદનું તાજેતરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ખ્વાજા શાહિદનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ખ્વાજા શાહિદને શોધવાનો પ્રયાસ કરી રહી હતી અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

આતંકીઓનો થઇ રહ્યો છે ખાત્મો

ઉલ્લેખનીય છે કે વિદેશની ધરતી પર અજાણ્યા લોકો દ્વારા ઘણા આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતના મોસ્ટ વોન્ટેડ શાહિદ લતીફ, કૈસર ફારૂક, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઝહૂર ઈબ્રાહિમ ઉર્ફે ઝાહિદ અખુંદ, કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ સંધુ માર્યા ગયા છે. તમામ કેસમાં હુમલાખોરોને શોધી શકાયા નથી.


  • Follow us on: