ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો(કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા) વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશી પણ ખેડૂત નેતાઓ સાથેની આ બેઠકમાં સામેલ છે. એવી અપેક્ષા લગાવાઇ રહી હતી કે આ બેઠકમાં ખેડૂત સંગઠનો અને સરકાર બંને યોગ્ય સમજૂતી પર પહોંચશે. છેલ્લી બેઠક પણ ચંદીગઢમાં થઈ હતી, ત્યારબાદ ખેડૂત નેતા દલ્લેવાલે કહ્યું હતું કે આ એક સારી મીટિંગ હતી અને તેઓ પણ આ બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે બીજી બેઠક 19 માર્ચના રોજ યોજાશે.
ચંદીગઢમાં બેઠક પહેલા દિલ્લીમાં શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન
ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે. બેઠક પહેલા શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં એક નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર એમએસપી પર ઘઉં અને ડાંગરનો પાક ખરીદવા માટે પ્રતિબદ્ધ છે, અને તેઓ આ પાક પર એમએસપીમાં સતત વધારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓએ ખેડૂતોની ધિરાણ મર્યાદા પણ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.
ચંદીગઢમાં બંને પક્ષ વચ્ચે બેઠક ચાલુ
શનિવારે સાંજે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે બેઠક યોજાઈ રહી છે. જેમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓ પર ચર્ચા થવાની છે. કેન્દ્રીય ટીમ અને ખેડૂત નેતાઓ વચ્ચેની આ બેઠક ચંદીગઢના મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં થઈ રહી છે. અગાઉ, 14 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ 22 ફેબ્રુઆરીએ આંદોલનકારી ખેડૂતો સાથેની બેઠક માટે કેન્દ્રીય ટીમનું નેતૃત્વ કરશે.
પંડેરે સરકાર પાસેથી આશા વ્યક્ત કરી હતી
બેઠક પહેલા ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે કહ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાનું પ્રતિનિધિમંડળ સકારાત્મક વિચારસરણી સાથે બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે ખેડૂતોને આશા છે કે સરકાર તેમના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવશે. ખેડૂતોએ આગામી બેઠક દિલ્હીમાં યોજવાની માગણી કરી હતી, પરંતુ સરકારે ચંદીગઢમાં યોજવાનું કહ્યું હતું. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે 28 સભ્યોનું ખેડૂતોનું પ્રતિનિધિમંડળ બેઠકમાં પોતાનું વલણ મજબૂત રીતે રજૂ કરશે. તેમણે કહ્યું કે MSP પર કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા એક વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે.
આંશિક સરકારી ખરીદી મંજૂર નથી-સંયુક્ત કિસાન મોરચા
સંયુક્ત કિસાન મોરચા નોન પોલિટિકલના પ્રવક્તા અભિમન્યુ કોહરના એક વાયરલ વિડિયોમાં તેમણે એમએસપી અને ખરીદ ગેરંટી કાયદો અને અન્ય ખેડૂતોની માંગણીઓ અંગે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોના સંદર્ભમાં 25-30 ટકાની આંશિક સરકારી ખરીદીની આર્થિક થિયરી રજૂ કરી હતી અને દલીલ કરી હતી કે આ રીતે ખેડૂતોને MSP મળશે. ત્યારે સંયુક્ત કિસાન મોરચાએ આ દરખાસ્તને નકારી કાઢી છે અને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારનો આંશિક ખરીદી કરાર એ કોર્પોરેટ ગૃહો માટે અનુકૂળ કરાર હશે.