કેન્દ્ર સરકારે ગુરુવારે હિજબ-ઉત-તહરીર પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠનની રચના 1953માં જેરુસલેમમાં થઈ હતી અને તે વૈશ્વિક અખિલ ઈસ્લામિક ગ્રુપ છે. તેનો ઉદ્દેશ્ય આતંકવાદી પ્રવૃત્તિઓ અને જેહાદ દ્વારા વૈશ્વિક સ્તરે ખિલાફત અને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે.


આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ એકત્ર કરવામાં સામેલ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુરુવારે એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હિજબ-ઉત-તહરીર નિર્દોષ યુવાનોને ISISમાં સામેલ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. યુવાનોને આવા આતંકવાદી સંગઠનોમાં સામેલ થવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને તેમને કટ્ટરપંથી બનાવવામાં આવે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તે આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ એકત્ર કરવામાં સામેલ છે.

હિજબ-ઉત-તહરીર પર MHAએ લગાવ્યો પ્રતિબંધ

MHAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિજબ-ઉત-તહરીર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સુરક્ષિત એપ્સનો ઉપયોગ આ કામ માટે કરે છે અને નિર્દોષ યુવાનોને આતંકવાદી કૃત્યોમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરે છે. યુવાનોને આતંકવાદ તરફ પ્રેરિત કરવા સભાઓનું આયોજન કરે છે.

લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર ખતરો

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિજબ-ઉત-તહરીર સંગઠનનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને સામેલ કરીને આતંકવાદી ગતિવિધિઓ અને જેહાદ દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવાનો છે. આ સાથે તેનો ઉદ્દેશ્ય ભારત સહિત વૈશ્વિક સ્તરે ખિલાફત સ્થાપિત કરવાનો અને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો છે. આ સંગઠન આંતરિક સુરક્ષા અને લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે.

આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનો આરોપ

MHAના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર માને છે કે હિજબ-ઉત-તહરીર સંગઠન આતંકવાદમાં સામેલ છે અને આ સંગઠને ભારતમાં આતંકવાદના વિવિધ કૃત્યોમાં ભાગ લીધો છે. કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ 1967 હેઠળ આ જૂથ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.


  • Follow us on: