- ગૃહમંત્રાલયે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અંગે કરી મહત્વની જાહેરાત
- લદ્દાખમાં જાહેર કર્યા નવા 5 જિલ્લા
- કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વિટર પર આપી જાણકારી
ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગના પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.
અમિત શાહે કર્યુ ટ્વિટ
લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની માહિતી આપતાં ગૃહમંત્રીએ ટ્વિટર પર લખ્યું, વિકસિત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવાના પીએમ મોદીના વિઝન હેઠળ, ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. નવા જિલ્લાઓ જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે.તેમણે એમ પણ જણાવ્યું કે દેશના દરેક ખૂણે શાસનને મજબૂત કરીને જમીની સ્તર પર તેનો લાભ મળશે. મોદી સરકાર લદ્દાખના લોકો માટે તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ અનુચ્છેદ 370ની તાકાતને ખતમ કર્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. જે બાદ 31 ઓક્ટોબરથી, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ રાજ્ય બન્યા. આ સાથે રાજ્યમાં સંસદ દ્વારા બનાવવામાં આવેલા ઘણા કાયદા અમલમાં આવ્યા. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ છે.