દેશના વિવિધ રાજ્યોમાં ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદનું આગમન થઇ ગયુ છે. તો એવા ઘણા રાજ્યો છે જ્યાં ચક્રવાતનો ખતરો મંડરાયો છે. ગુજરાત, દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ વગેરેના વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે ચોમાસુ ક્યારે બેસશે તેને લઇને હવામાન વિભાગે અગત્યની માહિતી આપી છે.


કેરળ વહેલુ પહોંચશે ચોમાસુ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી ચાર-પાંચ દિવસમાં કેરળ પહોંચશે. આ વખતે ચોમાસુ સામાન્ય તારીખ 1 જૂન કરતાં ઘણું વહેલું છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળ પહોંચશે. IMD ના ડેટા અનુસાર, જો ચોમાસુ અપેક્ષા મુજબ કેરળ પહોંચશે, તો તે 2009પછીનું સૌથી વહેલું આગમન હશે. તે સમયે ચોમાસુ 23મેએ બેઠુ હતું.

4-5 દિવસમાં ચોમાસાની શરૂઆત

મંગળવારે બપોરે એક અપડેટમાં IMD એ જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં આવી જાય છે. આ પછી, 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. ચોમાસુ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસું 30 મેના રોજ દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું હતું. ચોમાસુ 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. IMDએ એપ્રિલમાં 2025ના ચોમાસાની ઋતુ માટે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. આમાં અલ નીનો પરિસ્થિતિઓની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ માટે અલ નીનો જવાબદાર છે.

IMD મુજબ વરસાદ

  •  87 સેમીથી 95 ટકા અને 104 ટકા વચ્ચેનો વરસાદ 'સામાન્ય' ગણવામાં આવે છે.
  •  90 ટકાથી ઓછો વરસાદ 'અછત' ગણવામાં આવે છે.
  • 90 ટકાથી 95 ટકા વચ્ચે 'સામાન્ય કરતાં ઓછું' ગણવામાં આવે છે.
  • 105 ટકા અને 110 ટકા વચ્ચે 'સામાન્ય કરતાં વધુ' ગણવામાં આવે છે.
  • 110 ટકાથી વધુ વરસાદને 'વધારે' વરસાદ ગણવામાં આવે છે.

ચોમાસુ કેમ મહત્વનું છે?

ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ મહત્વપૂર્ણ છે. લગભગ 42.3 કા વસ્તી ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. દેશના GDPમાં કૃષિનો ફાળો 18.2 ટકા છે. દેશભરમાં પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ જળાશયોને ફરીથી ભરવા માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


  • Follow us on: