- ઉત્તર ભારતમાં ગરમીથી ત્રાહિમામ
- વરસાદની કાગડોળે જોવાઇ રહી છે રાહ
- કેરળના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
યુપી-બિહારથી લઇને દિલ્હી- એનસીઆરમાં ગરમીનો કહેર યથાવત છે. આખુ ઉત્તર ભારત કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થઇ રહ્યું છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળી શકે તેવા સમાચાર સામે આવ્યા છે. કેરળમાં તો ચોમાસુ પહોંચી ગયુ છે ત્યારે હવે અન્ય રાજ્યોમાં ક્યારે વરસાદ થશે તેને લઇને હવામાન વિભાગ શું કહે છે આવો જાણીએ.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
IMD અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં ત્રાટક્યું છે અને 30 મે, 2024 ના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધ્યું છે. અગાઉ 15 મેના રોજ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પહોંચશે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે મે મહિનામાં વધુ વરસાદ નોંધાયો છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે અને અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની તારીખ 5 જૂન છે. માનવામાં આવે છે કે બિહાર, ઝારખંડ અને બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે.
આ રાજ્યોમાં વરસાદી ઓરેન્જ એલર્ટ
આ સિવાય હવામાન વિભાગે 2 જૂને અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ લક્ષદ્વીપ તરફ આગળ વધવાને કારણે તેની અસર આગામી બે દિવસમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુ પર જોવા મળશે. IMD એ 8 જૂન સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ત્રિપુરામાં હળવો વરસાદ, વીજળી અને તેજ પવનની આગાહી કરી છે.
બિહાર-ઝારખંડમાં ભારે વરસાદ થશે
બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવામાં 6 જૂન સુધી અને મહારાષ્ટ્રમાં 5 જૂન સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય વેધર બુલેટિન મુજબ ઓડિશામાં 2 જૂને ભારે વરસાદની સંભાવના છે.
કેરળમાં આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે શનિવારે ત્રિસુર, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લાઓ માટે 'રેડ' એલર્ટ જાહેર કર્યુ છે. ઇડુક્કી, પલક્કડ અને વાયનાડ જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છ જિલ્લામાં 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.