કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા માટે 150થી વધુ આતંકવાદીઓ સરહદ પાર (PoK)ના લોન્ચપેડ પર રાહ જોઈ રહ્યા છે. આ જાણકારી BSFના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. BSFના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, 150 જેટલા આતંકવાદીઓ નિયંત્રણ રેખા (એલઓસી) ની પાર લૉન્ચપેડ પર શિયાળો આવતાની સાથે કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા રાહ જોઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે.
દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવીશુંઃ BSF
એક અધિકારીએ જણાવ્યું કે, સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે અમે સરહદ પર નિયંત્રણ જાળવી રાખવા માટે સેના સાથે સંકલન કરીએ છીએ. BSFના ઇન્સ્પેક્ટર જનરલ (કાશ્મીર ફ્રન્ટિયર) અશોક યાદવે જણાવ્યું હતું કે, 'અમે લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓની સંખ્યા પર પણ નજર રાખીએ છીએ, જે અમને કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે અમારી વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે.'
130થી 150 આતંકવાદીઓની હાજરીની આશંકા
તેમણે કહ્યું કે, સુરક્ષા દળો એ સુનિશ્ચિત કરશે કે, ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, લોન્ચપેડ પર હાલમાં કેટલા આતંકવાદીઓ રાહ જોઈ રહ્યા છે, તો તેમણે કહ્યું, 'લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓની સંખ્યા સામાન્ય રીતે 130 થી 150 ની વચ્ચે હોય છે, ક્યારેક તે થોડી વધુ પણ હોઈ શકે છે.' જમ્મુ અને કાશ્મીરમાં શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવતા પડકારો પર અધિકારીએ કહ્યું કે, સુરક્ષા દળોએ ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને વહીવટી તંત્ર સાથે સંકલન કર્યું છે.
શિયાળામાં આતંકવાદીઓ કરે છે ઘૂસણખોરીનો પ્રયાસ
BSFના ઇન્સ્પેક્ટર જનરલે કહ્યું કે, ખતરાની ઘણી સૂચનાઓ હતી, પરંતુ અમારા સુવ્યવસ્થિત આયોજનથી અમે કોઈપણ હુમલાને અટકાવ્યા અને ચૂંટણી સફળ રહી. અશોક યાદવે કહ્યું કે, 'હવે શિયાળો નજીક આવી રહ્યો છે, તૈયારીઓ કરવામાં આવી રહી છે, શિયાળો શરૂ થાય તે પહેલા આતંકવાદીઓ વારંવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, એલઓસી પર સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગેના ઇનપુટ્સ છે.