- બીએમડબલ્યુ હિટ એન્ડ રનની ઘટના
- મુખ્ય આરોપી મિહિર શાહ આવ્યો પોલીસના સકંજામાં
- મુંબઇ પોલીસે આરોપી મિહિરને લઇને કર્યા ચોંકાવનારા ખુલાસા
મુંબઇના વર્લીમાં હિટ એન્ડ રન ઘટનામાં મુખ્ય આરોપી મિહિર શાહને લઇને મોટો ખુલાસો થયો છે. મુંબઇ પોલીસ અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે ઝડપાયેલા આરોપી મિહિર શાહે દારૂ પીધો હતો.
બે જગ્યાએ કર્યુ ડ્રિંક
આ અંગે મુંબઇ પોલીસે જણાવ્યું કે મિહિર શાહે બે અલગ અલગ જગ્યા પર મોટી માત્રામાં દારૂ પીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે જુહુ વિસ્તારમાં આવેલા વાઇસ ગ્લોબલ તપાસ બારમાં દારૂ પીધો ત્યારબાદ આરોપી મિહિરે મલાડ અને બોરીવલી વચ્ચે પણ એક જગ્યા પર દારૂ પીધો હતો.
ડ્રાઇવર પાસેથી ઝૂંટવી લીધી ચાવી
પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર રાજર્ષિ રાજેન્દ્ર સિંહ બિદાવતની પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આ લોકો મરીન ડ્રાઈવની મુલાકાત લેવા આવ્યા હતા.પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર રાજર્ષિ રાજેન્દ્ર સિંહ કારને બોરીવલીથી મરીન ડ્રાઈવ લઈ ગયો હતો, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ મિહિરે ડ્રાઈવર પાસેથી બળજબરીથી કારની ચાવી છીનવી લીધી અને ગિરગામ ચોપાટી પાસે કાર ચલાવવાનું શરૂ કર્યું.
બંને આરોપીઓએ કબૂલ્યો ગુનો
મહત્વનું છે કે વર્લી હિટ-એન્ડ-રન કેસના બંને આરોપીઓએ ગુનામાં તેમની ભૂમિકાની કબૂલાત કરી હતી અને તેઓ મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી મિહિર શાહ અને તેના ડ્રાઈવર રાજર્ષિ બિદાવતની પોલીસ પૂછપરછ દરમિયાન આમનો સામનો થયો હતો.