સ્વદેશીકરણ ઉપર આગળ વધતા ભારતે દરિયાઈ સુરક્ષામાં વધુ સફળતા મેળવી છે અને 2025માં નૌસેના દેશની દરિયાઈ તાકાતમાં વધારો કરશે. 16 યુદ્ધ જહાજ નૌસેનામાં જોડાશે. એ પૈકી INS Arnala (અર્નાલા) યુદ્ધ જહાજ 18 મી જૂને વિશાખાપટ્ટનમના દરિયામાં ઉતારશે. ભારતનું આ યુદ્ધ જહાજ દરિયાના ઉંડાણમાં રહેલી દુશ્મનદેશની સબમરીનો શોધીને તેનો નાશ કરી શકશે .દુશ્મન દેશના રડારમાં પણ તે નહીં આવે તેવી આધુનિક ક્ષમતા આ જહાજ ધરાવે છે.
16 પૈકી એક જહાજની ડિલિવરી મળી
ભારતીય નૌસેનાને 16 પૈકીના એક જહાજ INS Arnalaની ડિલિવરી મળી ચૂકી છે. આ યુદ્ધ જહાજ લોકભાગીદારી અંતર્ગત સ્વદેશી રીતે એલ એંડ ટી શિપબિલ્ડર્સના સહયોગથી ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એંડ એન્જીનીયર્સ કંપની કોલકાતા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ઓપરેશનમાં આવતાં પાકિસ્તાન, ચીન જેવા દેશો દરિયાઈ હરકત કરવામાં વિચારતા થઈ જશે.
એન્ટિ સબમરીન લોન્ચર સહિત સજ્જતા
IAS Arnalaને 18 મી જૂને વિશાખાપટ્ટનમના નેવી ડોકયાર્ડમાંથી દરિયામાં ઉતારવામાં આવશે. આ યુદ્ધ જહાજનો 80 ટકાથી વધુ ભાગ દેશમાં બન્યો છે. તેનું કુલ વજન 1490 ટન છે. 77 મીટર લાંબા આ જહાજનું એન્જિન વૉટરજેટ સિસ્ટમ આધારિત છે. 100 થી 150 નોટિકલ માઈલ દૂરથી દુશ્મનની સબ મારીન શોધી શકે છે. એન્ટિ સબમરીન લોન્ચર, ટૉર્પીડો, 30 એમ એમ ગન, કોમ્બેટ સૂટ સાથે તેને સજ્જ કરાયું છે. 3300 કિલોમીટરનું અંતર એક જ વખતમાં કાપી શકે છે.
અર્નાલાનું નામ મહારાષ્ટ્રના કિલ્લા ઉપરથી પડયું
ભારતીય નૌસેના આ યુદ્ધ જહાજોને સબમરીનો શોધવામાં કોઈ પણ ઓપરેશનમાં સામેલ કરી શકે છે. આ ઉપરાંત સર્વેલન્સ, રાહત બચાવ અને અન્ય સમુદ્રી અભિયાનોમાં જહાજોનો ઉપયોગ કરી શકાશે. IAS અર્નાલાનું નામ મહારાષ્ટ્રના વસઇ સ્થિત કિલ્લા ઉપરથી રાખવામાં આવ્યું છે. આ કિલ્લાનું નિર્માણ 1737માં કરવામાં આવ્યું હતું.